મરઘમાળમાં પુલના કામ વચ્ચે પૂરથી ૫ ખેડૂતોની જમીન ધોવાઈ
- byDamanganga Times
- 22 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૧ ઃ મરઘમાળ-ચીમનપાડા વચ્ચે પુલનું કામ ચાલી રહ્નાં છે. ત્યારે ભારે વરસાદ બાદ પૂરનું પાણી ખેતીની જમીન તરફ વળતાં પાંચ ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે. કેટલાક સ્થળે આશરે ૧૦ ફૂટ સુધી જમીન ધોવાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મરઘમાળના સરપંચ રજનીભાઈ પટેલે અસરગ્રસ્ત ખેડૂતો સાથે ધરમપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સ્થળ તપાસ, જમીનની માપણી અને ધોવાણ થયેલા ભાગમાં માટી પુરાણ કરવાની માંગ કરી છે. આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મોકલવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોમાં સુરેશભાઈ ઉલકિયાભાઈ ડગળા, ભરતભાઈ વજરભાઈ ગાર્યા, કચરુભાઈ નુરુભાઈ ડગળા, સતીબેન વજરભાઈ ડગળા અને સીતાબેન ઝીણાભાઈ વાઘેરાનો સમાવેશ થાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પુલની દીવાલ પાસે પાણીનો પ્રવાહ બદલાઈ જમીન તરફ વળતાં ઉપજાઉ જમીનનું ધોવાણ થયું છે. ખેડૂતોને જમીન ફરી ખેતીલાયક બનાવવા માટી પુરાણ તથા યોગ્ય રાહત આપવાની માંગ કરી છે.
