રોલા હાઈવે પર કન્ટેનરમાં ભીષણ આગ
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડના રોલા નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી પસાર થઈ રહેલા ઍક કન્ટેનરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં હાઇવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ ની ઘટનાને પગલે હાઇવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. વલસાડના રોલા નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી પસાર થઈ રહેલા ઍક કન્ટેનરમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. કન્ટેનરમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની તીવ્રતાને જોતા હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે હાઇવે બંધ કરાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો..ઘટનાની જાણ સ્થાનિક લોકો અને હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને જોતા ફાયર વિભાગની ૩ જેટલી ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી. કન્ટેનરમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. આગ અંગે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
