Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

કુંતાનાં જર્જરીત સ્મશાનગૃહને વિકસાવવાની જરૂર

કુંતાનાં જર્જરીત સ્મશાનગૃહને વિકસાવવાની જરૂર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ તા.વાપીમાં દોઢ વર્ષ પહેલાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ૧૧ ગામોમાંના કુંતા ગામની સ્મશાનભૂમિ આજે પણ વિકાસની રાહ જોઈ રહી છે. અહીં ઉપલબ્ધ સુવિધાઓ અત્યંત જર્જરિત બની જતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્ના છે.સ્મશાનભૂમિમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે માત્ર ઍક જ સગડી ઉપલબ્ધ હોવાથી ઍક સાથે બે અંતિમવિધિ આવે ત્યારે રાહ જોવાની ફરજ પડે છે. ઉપરાંત વર્ષો જૂની વિશ્રામ કક્ષ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હોવાથી અંતિમવિધિમાં આવેલા સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનભૂમિમાં પૂરતી બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છ શૌચાલય, લાઇટિંગ તેમજ પેવર બ્લોક જેવા મૂળભૂત વિકાસ કામોની પણ જરૂરિયાત છે. વાપી મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ થયા બાદ લોકોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા હતી, પરંતુ દોઢ વર્ષ બાદ પણ સ્મશાનભૂમિની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી.
સ્થાનિક રહિશોઍ વાપી મહાનગરપાલિકાને કુંતા સ્મશાનભૂમિનો તાત્કાલિક સર્વે કરાવી નવી સગડી, આધુનિક વિશ્રામ કક્ષ અને જરૂરી તમામ સુવિધાઓ સાથે સ્મશાનભૂમિનું વિકાસ કાર્ય હાથ ધરવાની માંગ કરી છે, જેથી અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.