Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

વાપી–શામળાજી હાઈવે પર જામલિયા પાસે અકસ્માત ઃ બે ના મોત

વાપી–શામળાજી હાઈવે પર જામલિયા પાસે અકસ્માત ઃ બે ના મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા. ૩૦ ઃ  વાંસદા તાલુકાના જામલિયા ગામે વાપી–શામળાજી રાષ્ટ્રીય ધોરી માર્ગ હાઇવે નં. ૫૬ પર ઍસ.ટી. બસ અને હાઈવા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત થયા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રા માહિતી મુજબ, ધરમપુર ડેપોથી પાલનપુર જતી ઍસ.ટી. બસ નં. ઞ્થ્ ૧૮ ક્ષ્વ્ ૩૧૫૧ વાંસદા થઈ પાલનપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન જામલિયા ગામ નજીકના વણાંક પર વાંસદા તરફથી આવી રહેલી હાઈવા ટ્રક નં. ઞ્થ્ ૧૫ ખ્સ્ ૭૧૧૮ ના ચાલકે બસના પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કરની અસરથી બસ રસ્તાની વિરુદ્ધ દિશામાં ખેંચાઈ ગઈ હતી. જોકે બસના ચાલકે સમયસૂચકતા અને સૂઝબૂઝ દાખવી તાત્કાલિક બ્રેક મારી બસને રસ્તા કિનારે આવેલા ઊંડા ખાડામાં ખાબકતી બચાવી લીધી હતી. અકસ્માતને પગલે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બસમાં અંદાજે ૧૨થી ૧૩ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં ત્રણ મુસાફરો તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર સહિત કુલ પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ટ્રકના ક્લીનરનું મોત નિપજ્યું હતું. ઉપરાંત બસમાં સવાર ઍક મુસાફરનું પણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

 આ સમાચાર લખાય છે ત્યાં સુધી અકસ્માત અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.