ભીલાડ અપહરણ કેસમાં પિડીતાનો ઉગારો
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગુનાનો ભેદ ઉકેલી વલસાડ જિલ્લા ઍલસીબીની ટીમે ભોગ બનનાર યુવતીને સુરક્ષિત છોડાવી ચાર આરોપીઓ તમામ રહે ધૂલવાડી ખડકીપાડાને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી અપહરણમાં વપરાયેલી ઍમઍચ-૪૮-ડીઍમ-૭૯૮૪ નંબરની કાર પણ કબજે કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ ૩૦ મે, ૨૦૨૬ના રોજ ભીલાડ વિસ્તારમાં યુવતીને બળજબરીથી લગ્ન કરવાના ઇરાદે કારમાં બેસાડી તેનું અપહરણ કરી મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ તેને મહારાષ્ટ્ર લઈ ગયા હતા. ઘટનામાં યુવતી જે કંપનીમાં નોકરી કરતી હતી તે કંપનીમાં સાથે કામ કરતાં ઍક ઈસમે આ કાવત્રુ રચ્યું હોવાનું મનાય છે.ઘટનાની ફરિયાદના આધારે ભીલાડ પોલીસમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સુરત રેન્જ આઈજી અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઍલસીબીની પીઆઇ ઍ યુ રોઝ, પીઆઇ જે જી પરમાર, જે સી ધાનેરા અને ટીમે હ્નામન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ ઍનાલિસિસના આધારે આરોપીઓનું લોકેશન શોધી કાઢ્યું હતું. કાર્યવાહી દરમિયાન દેવરામ કાશીરામ સાવર, મનોજ બબુલાલ સાહડે, પ્રિતમ ઍકનાથ મોરે અને મહેશ રમેશ ધુલતાસા નામના ચાર આરોપીઓને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓને ભીલાડ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
