જે.પી. પારડીવાલા કોલેજમાં વિદાય સમારંભ યોજાયો
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૦ ઃ પારડીમાં આવેલ જે.પી પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં સંસ્કૃત વિષયના પ્રા. દિલીપકુમાર વી પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. સમારોહની શરૂઆત ટી.વાય. બી.ઍની વિદ્યાર્થીની સલોની માહ્નાવંશીની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંચાલક મુકેશસિંહ સોલંકીઍ ધી પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઇ અને નિવૃત્ત ઍકાઉન્ટન્ટ ગોપાલ પાટીલે મોકલાવેલ શુભેચ્છા સંદેશનું વાંચન કર્યું હતું.
ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ફાલ્ગુની દેસાઈઍ નિવૃત્ત થતા અધ્યાપકને આવકાર પ્રવચન આપી આવકાર્યા હતા અને તેમણે કરેલા કોલેજના કાર્યોની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ નિવૃત્ત થતા પ્રા.દિલીપકુમાર વી. પટેલને શ્રીફળ, પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના સ્ટાફ પરિવાર વતી જે સ્મૃતિભેટો લાવવામાં આવી હતી તે તમામ સ્મૃતિભેટો અને સન્માન પત્ર કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ફાલ્ગુનીબેન દેસાઈ અને સ્ટાફ સેક્રેટરી પ્રા.જીતેન્દ્રકુમાર ઍમ ટંડેલના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ હાજર રહેલા ભૂતપૂર્વ નિવૃત અધ્યાપકો માંથી પ્રા. અતુલભાઇ પંડ્યા, પ્રા. કિશોરસિંહ પરમાર, પ્રા. છાયાબેન દેસાઈ ઍ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. ત્યારબાદ ઍમના સગા સંબંધીઓઍ પણ તેમના વિશે ખૂબ સુંદર અભિપ્રાયો પ્રદાન કર્યા હતા કોલેજમાંથી પ્રા.જીતેન્દ્રકુમાર ઍમ ટંડેલ, પ્રા.મુકેશસિંહ સોલંકી,ડૉ. સતવિન્દર કૌર ધનજય અને ડૉ.જીતુભાઈ ભોઈઍ પણ ઍમની સાથે ગુજારેલા દિવસોને યાદ કરી અભિપ્રાયો આપ્યા હતા કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ફાલ્ગુનીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રા. મુકેશસિંહ સોલંકીઍ કરી હતી.
