Damanganga Times.

Damanganga Times.

June 27, 2026

ગણદેવી તાલુકામાં રૂ. ૫.૯૪ કરોડના ખર્ચે નવનિર્મિત શાળાઓનું લોકાર્પણ કરાયું

ગણદેવી તાલુકામાં રૂ. ૫.૯૪ કરોડના ખર્ચે નવનિર્મિત શાળાઓનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૬ ઃ ગ્રામીણ વિસ્તારના બાળકોને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી અને કુટિર ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ગણદેવી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના નવનિર્મિત મકાનો તેમજ ઓરડાઓનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત તાલુકાના અલગ-અલગ ક્લસ્ટરની કુલ ૮ પ્રાથમિક શાળાઓમાં રૂ. ૫,૯૪,૦૦,૦૦૦ ના ખર્ચે તૈયાર થયેલા ૩૩ નવા વર્ગખંડો ખુલ્લા મુકાયા હતા, જેનો સીધો લાભ આ શાળાઓમાં અભ્યાસ કરતા ૧,૦૫૨ જેટલા વિદ્યાર્થીઓને મળશે.      આ ભવ્ય લોકાર્પણ અંતર્ગત આંતલિયા ક્લસ્ટરની પ્રાથમિક વિદ્યામંદિર ઉંડાચ ખાતે રૂ. ૮૦ લાખના ખર્ચે ૪ ઓરડા અને આંતલિયા વુડ પેપર્સ પ્રાથમિક શાળા ખાતે રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે ૬ ઓરડા, તેમજ બીલીમોરા ક્લસ્ટરની ઓરિયામોરા પ્રાથમિક શાળામાં રૂ. ૫૦ લાખના ખર્ચે ૪ ઓરડા ખુલ્લા મુકાયા હતા. આ ઉપરાંત બીગરી ક્લસ્ટરની શેઠ ભા. દૂ. ઇંટવાલા પ્રાથમિક શાળા, દેસરા ખાતે સૌથી વધુ રૂ. ૧.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૯ ઓરડા, ગણદેવી ક્લસ્ટરની ભાવસાર કુમાર શાળા ખાતે રૂ. ૭૫ લાખના ખર્ચે ૪ ઓરડા, વડસાંગળ ક્લસ્ટરની દેસાડ પ્રાથમિક શાળા ખાતે રૂ. ૩૩ લાખના ખર્ચે ૨ ઓરડા, ખોખર પાટી પ્રાથમિક શાળા ખાતે રૂ. ૨૭ લાખના ખર્ચે ૨ ઓરડા અને ભાઠા ક્લસ્ટરની બાવરી ફ. પ્રાથમિક શાળા ખાતે રૂ. ૩૯ લાખના ખર્ચે નવનિર્મિત ૨ ઓરડાનું સફળતાપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે સ્થાનિક અગ્રણીઓ, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્ના હતા.