બીલીમોરાની પ્રા. વિદ્યામંદિર દેવસર-૨ માં શાળા સ્થાપના દિન અને પ્રવેશોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 27 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૬ ઃ ગણદેવી તાલુકાની બીલીમોરા નજીક આવેલી પ્રાથમિક વિદ્યામંદિર દેવસર નં-૨નો ૫૪મો સ્થાપના દિવસ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬મોટી દેવસર ગામના નવનિર્મિત સાંસ્કૃતિક ભવન ખાતે રંગેચંગે ઉજવાયો હતો, જેનું દીપ પ્રાગટ્ય મુખ્ય મહેમાન ગણદેવી તાલુકા વિકાસ અધિકારી ચેતનકુમાર દેસાઈઍ કર્યું હતું. આ શુભ પ્રસંગે આચાર્યા દક્ષાબેન પટેલે શાળાની ૫૪ વર્ષની વિકાસગાથા,નવી શિક્ષણ નીતિ અને સમગ્ર શિક્ષાના ઉદ્દેશ્યો જણાવી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે માજી જિલ્લા પંચાયત સભ્ય પરિમલ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ ના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાન શિક્ષક મિરલકુમાર દ્વારા ઇન્સપાયર ઍવોર્ડમાં સમગ્ર નવસારી જિલ્લામાંથી રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામેલ ઍકમાત્ર કૃતિની ઝાંખી કરાવી રોડ સુરક્ષાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ અવસરે શાળાના શ્રેષ્ઠ દાતાઓ મોટી દેવસર ગ્રામ સમિતિના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તથા દિવ્યાંગ ધનાભાઇ પટેલનું સન્માન કરાયું હતું અને ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,વાલીઓ તથા વડીલોઍ સંસ્મરણો તાજા કર્યા હતાં. અંતમાં,નાના ભૂલકાઓના હસ્તે બર્થ ડે કેક કાપીને સ્થાપના દિનની વિશિષ્ટ ઉજવણી કરાઈ હતી.
