Damanganga Times.

Damanganga Times.

June 27, 2026

વલવાડામાં દાયકા બાદ રસ્તાના નિર્માણથી મહોલ્લાવાસીઅોમાં દિવાળી જેવો માહોલ

વલવાડામાં દાયકા બાદ રસ્તાના નિર્માણથી મહોલ્લાવાસીઅોમાં દિવાળી જેવો માહોલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૫ ઃ ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત હેઠળ આવતા સંઘાડી ફળિયાના ૧૫થી ૨૦ પરિવારો માટે આઝાદીના દાયકાઓ વિત્યા બાદ સાચા અર્થમાં પરિવર્તન આવ્યું છે. અત્યાર સુધી આ ફળિયામાં પાકો કે મોટો રસ્તો ન હોવાને કારણે સ્થાનિકોને પોતાના વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરવા પડતા હતાં અને ત્યાંથી પગપાળા ઘરે જવું પડતું હતું. માત્ર મોટરસાયકલ જ માંડ-માંડ અંદર જઈ શકતી હતી. આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ ગંભીર બીમાર પડે, ત્યારે દર્દીને ખાટલામાં કે ઊંચકીને મુખ્ય માર્ગ સુધી લાવવો પડતો હતો. ઍટલું જે નહીં, લગ્ન પ્રસંગોમાં વરરાજાને પગપાળા મુખ્ય રોડ સુધી જવું પડતું અને ઘરની દીકરીના મંગળફેરા ભરાયા બાદ તેની વિદાય પણ ઘરના આંગણેથી થવાને બદલે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલા વાહનો પાસેથી કરવી પડતી હતી. હવે આ તમામ સમસ્યાનો અંત આવી જવા પામ્યો છે. આ અગાઉ સંઘાડી ફળિયાના પરિવારોઍ ગ્રામ પંચાયતના યુવા સભ્ય પ્રવેશ પટેલને રજૂઆત કરી હતી. સમસ્યાની ગંભીરતા સમજીને સરપંચ જયેશ પટેલ અને પ્રવેશ પટેલે સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રસ્તાની વચ્ચે ઍક ખાનગી માલિકની ઍન.ઍ. જમીન અને તેની કમ્પાઉન્ડ વોલ નડતરૂપ બની રહી છે. આ કાયદાકીય ગૂંચ ઉકેલવા માટે વલવાડા ગ્રામ પંચાયતના અગ્રણી અને દાતા દિનેશભાઈ પટેલને સાથે રાખવામાં આવ્યા હતા. સરપંચ જયેશ પટેલ, પ્રવેશ પટેલ અને દિનેશભાઈઍ ભેગા મળીને ખાનગી જમીનના માલિક સાથે બેઠક કરી અને લોકહિત માટે નમ્ર વિનંતી કરી હતી. પંચાયતની આ વાતને માન આપીને ખાનગી માલિકે ઉદારતા દાખવી અને પોતાની કમ્પાઉન્ડ વોલ હટાવીને રસ્તો આપવા સંમતિ આપી હતી. સંમતિ મળતા જ યુવા ઉદ્યોગપતિ અને પંચાયત સભ્ય પ્રવેશ પટેલે જરાય વિલંબ કર્યા વિના પોતાના વ્યક્તિગત ખર્ચે તાત્કાલિક જેસીબી મશીન લગાવીને કમ્પાઉન્ડ વોલ તોડી પાડી અને હાલ પૂરતો કાચો રસ્તો તૈયાર કરાવી દીધો છે. રસ્તાનું નિર્માણ થતાં જ સમગ્ર સંઘાડી ફળિયાના રહીશોઍ આ જડ સમસ્યાનો ઉકેલ લાવવા બદલ અગ્રણી દિનેશભાઈ પટેલ, સભ્ય પ્રવેશ પટેલ અને સરપંચ જયેશ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.