Damanganga Times.

Damanganga Times.

June 27, 2026

ડહેલીના વિકાસકામોમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ : તંત્ર મૌન

ડહેલીના વિકાસકામોમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ : તંત્ર મૌન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૫ ઃ  ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસકામોમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના મુદ્દે ગ્રામ પંચાયત સભ્ય દોલતભાઈ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કેટલાક વિકાસકામો સ્થળ પર પૂર્ણ થયા વગર જ ચૂકવણાં કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે ફરિયાદ બાદ પણ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થતા અનેક સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ તાલુકા પંચાયત દ્વારા રસ્તા, નાળા સહિતના વિકાસકામો માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક કામોમાં નિયમોનું પાલન ન થયું હોવા ઉપરાંત કાગળ પર કામ પૂર્ણ બતાવી સરકારી નાણાંની ચૂકવણી કરવામાં આવી હોવાનું દોલતભાઈઍ આક્ષેપ કર્યો છે.
આ મામલે માહિતી મેળવવા માટે આરટીઆઈ હેઠળ અરજી કરવામાં આવી હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવામાં આવી નથી. જેના કારણે સમગ્ર પ્રકરણમાં પારદર્શિતાના અભાવ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
દોલતભાઈઍ મીડિયાને સ્થળ પર લઈ જઈ કેટલાક વિકાસકામોની વાસ્તવિક સ્થિતિ દર્શાવી હતી અને જણાવ્યું હતું કે અનેક સ્થળોઍ કામો થયા નથી અથવા અધૂરા છે. છતાં રેકોર્ડમાં પૂર્ણ દર્શાવવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક અધિકારીઓને ગેરમાર્ગે દોરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્તરે ઍવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે ઍજન્સી સામે તપાસની માંગ કરવામાં આવી છે તે વર્ષોથી વિકાસકામોમાં સંકળાયેલી રહી છે અને અધિકારીઓ તથા ચૂંટાયેલા -તિનિધિઓ સાથેની સાંઠગાંઠના કારણે નિયમોને નેવે મૂકી કામો કરતી રહી છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ઉમરગામ તાલુકા પંચાયત અગાઉ પણ વિકાસકામોને લઈને વિવાદોમાં રહી ચૂકી છે. ત્યારે ડહેલી ગામના આ પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. હવે લોકોના મનમાં ઍક જ સવાલ છે. ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ થશે કે પછી આ ફરિયાદ પણ ફાઇલોમાં જ દબાઈ જશે?