Damanganga Times.

Damanganga Times.

June 19, 2026

પાનસમાં ગ્લ્ફન્ ટાવરની રૂ. ૬.૪૪ લાખની ૭ બેટરી તસ્કરો તાર કાપી ચોરી ગયા

પાનસમાં ગ્લ્ફન્ ટાવરની રૂ. ૬.૪૪ લાખની ૭ બેટરી તસ્કરો તાર કાપી ચોરી ગયા


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) 

ચીવલ, તા.૧૮ ઃ નાનાપોઢા તાલુકાના પાનસ ઉપલા ફળીયા ખાતે આવેલા બીઍસઍનઍલ કંપનીના મોબાઇલ ટાવરને અજાણ્યા તસ્કરોઍ નિશાન બનાવી રૂ. ૬.૪૪ લાખની કિંમતની સાત બેટરીઓની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોઍ ટાવર કમ્પાઉન્ડની તારની જાળી કાપી તેમજ બેટરી રાખેલા લોખંડી કબાટનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો.  બીઍસઍનઍલ કંપનીમાં છેલ્લા દસ મહિનાથી ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ સીતારામભાઈ બાત્રીને ગત ૧૩ જૂન, ૨૦૨૬ના રોજ સવારે આશરે નવ વાગ્યે ટાવરના વોચમેન સંદીપભાઈ નાનુભાઈ બિરારીનો ફોન આવ્યો હતો, જેમાં ટાવર ખાતે ચોરી થઈ હોવાની જાણ કરવામાં આવી હતી. જાણ થતાં હાર્દિકભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.તપાસ દરમિયાન ટાવરની આસપાસની તારની જાળી કાપેલી હાલતમાં જોવા મળી હતી. ઉપરાંત બેટરીના લોખંડી કબાટનું તાળું તૂટેલી હાલતમાં જમીન પર પડેલું મળી આવ્યું હતું. કબાટની તપાસ કરતાં બીઍસઍનઍલ ટાવરમાં રહેલી કુલ આઠ બેટરી પૈકી સાત બેટરીઓના વાયર કાપી તેમની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ચોરાયેલી બેટરીઓની કુલ કિંમત અંદાજે રૂ. ૬,૪૪,૦૦૦ હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ કંપનીના વાપી સ્થિત ઍન્જિનિયર શૈલેન્દ્ર યાદવ તથા ગાંધીનગર સ્થિત હેડ ઓફિસના અધિકારીઓને કરવામાં આવી હતી. જરૂરી મંજૂરી અને દસ્તાવેજો મળ્યા બાદ નાનાપોઢા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નાનાપોઢા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.