પ્લાસ્ટિક ફ્રી વાપી માટે મનપા કટિબદ્ધ
- byDamanganga Times
- 19 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા ‘પ્લાસ્ટિક ફ્રી વાપી’ અભિયાન અંતર્ગત હાથ ધરેલ અભિયાનમાં ૨૦ થી વધુ વેપારીઓ પાસે કુલ ૪૦૦ કિલો થી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જ કરી દંડ વસૂલ્યો હતો. વાપી મનપા આરોગ્ય વિભાગની ટીમે છેલ્લા ત્રણ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધર્યું હતું જેમાં ટીમે વાપી ટાઉન વિસ્તારથી લઈને કચીગામ, ડાભેલ, સેલવાસ ચેકપોસ્ટ વિસ્તાર તેમજ ચણોદ, ડુંગરા સહિતના વિસ્તારોમાં દુકાનો, વેપારી સંસ્થાઓ અને વિવિધ ઍકમોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. નિયમોનો ભંગ કરનાર વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરતા રૂ. ૨ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મનપાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા અને પર્યાવરણની સુરક્ષા માટે આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
મહાનગરપાલિકાઍ વેપારીઓ અને નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, તેના બદલે કાપડ, કાગળ અથવા અન્ય પર્યાવરણમૈત્રી વિકલ્પો અપનાવવા અપીલ કરી છે.
મનપાઍ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે વાપી મનપા આરોગ્ય વિભાગની ટીમે જેવું આ અભિયાન હાથ ધર્યું તે સાથેજ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કેટલાક દંડનો ભોગ બનેલા વેપારીઓઍ અન્ય વિસ્તારના વેપારીઓને ફોન કરી જાણ કરતા આવા વેપારીઓઍ પોતાના વોટ્સઍપ ગ્રુપમાં મેસેજ મૂકી અન્ય વેપારીઓને સતર્ક કરવાનું શરૂ કર્યું છે.
