વાપી મનપા દ્વારા ત્રિદિવસીય જનકલ્યાણ શિબિર યોજાશે
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસીય જન કલ્યાણ શિબિર કાર્યકમ તા.૧૭ થી ૧૯ જૂન, ૨૦૨૬ દરમિયાન ચલા ડુંગરા અને છીરીમાં યોજાશે.
રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ નું ધ્યેય સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પી.ઍમ. સ્વનિધિ યોજના, પી.ઍમ. સૂર્યઘર યોજના, આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના, નમોશ્રી યોજના અને ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ યોજના વગેરે ૧૫ જેટલી યોજનાઓ માટે આ શિબિરમાં માર્ગદર્શન, અરજી સહાય અને દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહત્તમ લાભ મળે ઍમ વાપી મનપાની અખબારી યાદીમાં જણાવાયું છે.
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૧૭/૦૬/૨૬ ના રોજ ચલા ઝોન ઓફિસ ચલા દમણ રોડ, વાપી, તા.૧૮/૦૬/૨૬ ના રોજ છીરી વોર્ડ ઓફિસ છીરી, વાપી અને તા.૧૯/૦૬/૨૬ ના રોજ ડુંગરા ઝોન કચેરી ડુંગરા વાપી ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
અરજદારોને સ્થળ પર યોજનાઓનો લાભ લેવા જરૂરી દસ્તાવેજોમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક તેમજ યોજના અનુસારના દસ્તાવેજો સાથે લઈને આવવા જણાવાયું છે.
