ચલા રિંગ રોડ પર ગટરના ઢાંકણા બેસી ગયા ઃ અકસ્માતનો ભય
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ ચલા વિસ્તારમાં દૌલતનગરથી કચીગામ ચેકપોસ્ટ સુધીના રિંગ રોડ પર ગટરના કેટલાક ઢાંકણા બેસી જતાં અકસ્માતનો ભય ઊભો થયો છે. આ માર્ગ પરથી દિવસભર બે-ચક્રી, ચાર-ચક્રી વાહનો ઉપરાંત ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી વાહનચાલકો માટે જોખમની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર આવેલા ગટરના ઢાંકણાં આસપાસનો ભાગ ધસી જતાં ખાડા જેવી સ્થિતિ બની છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન આ સ્થળો સ્પષ્ટ દેખાતા ન હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની શકે છે. બે-ચક્રી વાહનચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિક રહિશોઍ સંબંધિત તંત્રને તાત્કાલિક અસરથી બેસી ગયેલા ગટરના ઢાંકણાંનું સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં મહાનગર પાલિકા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની અપેક્ષા છે.
