Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

આંબોલી કેન્દ્રીય શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

આંબોલી કેન્દ્રીય શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૫ ઃ દાદરા અને નગર હવેલી જિલ્લામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે શાળા પ્રવેશોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આંબોલી સ્થિત કેન્દ્રીય પ્રાથમિક શાળામાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં ઉપ પોલીસ મહાનિરીક્ષક સંતોષ કુમાર મીણા, શિક્ષણ સચિવ ડૉ. અરુણ ટી., શિક્ષણ વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, પંચાયત પ્રતિનિધિઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.
પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લામાં પૂર્વ-પ્રાથમિક કક્ષાઓમાં ૬,૧૫૯ તેમજ ધોરણ-૧માં ૩,૬૫૧ બાળકોના પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર સંઘ પ્રદેશની ૨૯૪ સરકારી શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમો દ્વારા કુલ ૭,૯૫૭ પૂર્વ-પ્રાથમિક અને ૫,૩૫૯ ધોરણ-૧ના વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક જીવનની શરૂઆત કરી રહ્ના છે.
આંબોલી શાળા પરિસરમાં નવા વિદ્યાર્થીઓનું તિલક, પુષ્પવર્ષા અને ઢોલ-નગારાના નાદ વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો, નોટબુક, યુનિફોર્મ, સ્કૂલ બેગ, જૂતાં-મોજાં સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા આ વર્ષે પણ અંદાજે રૂ. ૧૨.૫ કરોડના ખર્ચે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે સંઘ પ્રદેશમાં હાલમાં સરકારી શાળાઓમાં ધોરણ ૩થી ૧૨ સુધી આશરે ૧,૮૦૦ સ્માર્ટ વર્ગખંડો કાર્યરત છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓઍ શિક્ષકો અને મુખ્યાધ્યાપકો સાથે શૈક્ષણિક ગુણવત્તા, નવીનતા અને આગામી શૈક્ષણિક લક્ષ્યો અંગે ચર્ચા કરી હતી.