Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

ઉમરગામ ટાઉનમાં બોરઝાઈ માતા મંદિરમાં રામકથા યોજાઈ

ઉમરગામ ટાઉનમાં બોરઝાઈ માતા મંદિરમાં રામકથા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ઉમરગામ, તા. ૧૫ ઃ  ઉમરગામ ટાઉન ખાતે આવેલ શ્રી બોરજાઈ માતા મંદિરના પવિત્ર પ્રાંગણમાં શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે કથાકાર પૂજ્ય સુનિલભાઈ યાજ્ઞિક દ્વારા શ્રી રામકથાનું ભાવસભર રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહ્ના હતા.
આમંત્રણને માન આપી ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ શ્રી રામકથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે કથાકાર પૂજ્ય સુનિલભાઈ યાજ્ઞિકના હસ્તે ધારાસભ્ય રમણભાઈ પાટકરનું સન્માન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તેમની સાથે ઉપસ્થિત રહેલા સરીગામ નોટિફાઈડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રસંગે પોતાના પ્રેરક ઉદબોધનમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું હતું કે શ્રી રામકથા માનવ જીવન માટે પ્રેરણારૂપ અને કલ્યાણનો માર્ગ દર્શાવનારો મહાન ગ્રંથ છે. પ્રભુ શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી સહિતના પાત્રો જીવનમાં આદર્શ પુત્ર, ભાઈ, પુત્રવધુ અને પરિવારના સભ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું તે અંગે અમૂલ્ય સંદેશ આપે છે. તેમણે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી સંસ્કારી અને આજ્ઞાકારી સંતાન બનવાની પ્રેરણા શ્રી રામકથામાંથી ગ્રહણ કરવાની અપીલ કરી હતી.
ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ પાવન પ્રસંગે ભક્તજનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ પુણ્યકાર્યમાં દાનનો પ્રવાહ પણ વહેતો મૂક્યો હતો.