વલસાડમાં ચોમાસા પૂર્વે ખોદાયેલા રસ્તાઓનું પેચવર્ક કરવા લોકમાંગ
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ શહેરમાં ચોમાસું નજીક આવી રહ્નાં છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અધૂરા છોડાયેલા કામો અને ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. ચોમાસામાં આ રસ્તાઓ વધુ બિસ્માર બને તે પહેલાં તંત્ર દ્વારા તાકીદે ડામર રોડનું પેચવર્ક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વલસાડ શહેરના આર.પી.ઍફ. મેદાનથી લઈને ઔરંગા નદી સુધીનો મહત્વનો માર્ગ મકાન વિભાગ દ્વારા સીસી રોડ બનાવવામાં આવ્યો છે. હાલમાં આ રસ્તા પર માત્ર ઍસ.ટી. ડેપોની સામે જ થોડું કામ ચાલી રહ્નાં છે, જ્યારે બાકીનો મોટાભાગનો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. જે રાહતજનક બાબત છે. પરંતુ શહેરના અન્ય આંતરિક રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આ વિસ્તારોમાં ખોદકામ બાદ તંત્ર પાછું વળીને જોયું નથી. શહેરના વ્યસ્ત અને મુખ્ય ગણાતા ઍવા અનેક વિસ્તારોમાં ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા સાઇડ સોલ્ડરિંગ કે ડામર રોડનું પેચવર્ક કરવામાં આવ્યું નથી જેમાં ડીઍમડીસી હાઇસ્કૂલ બાજુમાં આવેલી મચ્છી માર્કેટ અને ખાવધરી ગલી, પાવર હાઉસથી મદનવાડ તરફ જતો રસ્તા, પાવર હાઉસથી છીપવાડ હનુમાનજી મંદિર તરફ જતો માર્ગ, છીપવાડ સ્માર્ટ બજારની સામેનો રસ્તાઓ પર ખોદકામ કરીને ખાડા તો પૂરી દેવાયા છે, પણ તેના પર ડામરનું પ્રોપર પેચવર્ક ન કરાતા વાહનો સ્લિપ થઈ રહ્ના છે. ખરાબ રસ્તાના કારણે કારણે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોની માંગ છે કે ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ માર્ગ અને મકાન વિભાગ જાગૃત બને.
જો વરસાદ શરૂ થઈ જશે તો આ અધૂરા અને ખોદાયેલા રસ્તાઓ બિસ્માર બની જશે, જેને કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ શકે છે. ચોમાસુ શરૂ થાય તે પહેલા ડામરનું પેચવર્ક કામ પૂરું કરી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે તે જ સમયની માંગ છે.
