ઉમરગામની ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાઅોનું આયોજન કરાયું
- byDamanganga Times
- 06 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૫ ઃ આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ, પર્યાવરણની જાળવણી માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કાપડની થેલીનો ઉપયોગ કરવા વગેરે બાબતે લોક જાગૃતતા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૫ દિવસથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શેરી નાટક, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમનું આયોજન જેપીસીબી વિભાગ સરીગામના અધિકારીઍઓ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સરીગામ જીઆઇડીસી ઔદ્યોગિક વિસ્તારનું નેતૃત્વ કરતી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન સંસ્થાના પ્રમુખ નિર્મલ દુધાની તથા હોદ્દેદારો અને ઉદ્યોગકારોઍ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા લોકજાગ્રતા અર્થે યોજાયેલ કાર્યક્રમમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યા હતાં. આજરોજ ઉમરગામ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં સરપંચ તથા સભ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં. ખાસ ગ્રામસભાના ઍકમાત્ર ઍજન્ડા મુજબ ઉપસ્થિત સૌઍ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. સાથે જ ગ્રામ પંચાયત પરિસરમાં વૃક્ષારોપણ કરી તેના જતનપૂર્વક ઉછેર માટે કટિબદ્ધતા દાખવી હતી. ભાઠી કરમબેલી ગ્રામ પંચાયતમાં સરપંચ તથા સભ્યોઍ ૧૦૦ જેટલા ઝાડ રોપી તેના ઉછેર માટે તૈયારી રાખવી હતી. સંજાણ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ ગુલાબભાઈ તથા વાપી જીપીસીબી વિભાગના અધિકારીઓ, પૂર્વ સરપંચ અને હાલના સભ્ય મોહનભાઈ સલાટ વગેરેની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી રોજિંદા વ્યવહારુ જીવનમાં પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતે કાળજી રાખવા શપથ લીધા હતાં.
ઉમરગામ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં યોજાયેલ ખાસ ગ્રામસભામાં તાલુકા મામલતદાર દલપતભાઈ, તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી.