ચોમાસુ સીઝન માટેખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી
- byDamanganga Times
- 30 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૨૯ ઃ નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિ.) તરફથી નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવાયું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઇઍ.
કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.
બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઇઍ.
કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય છે. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી.