Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

સોનગઢની ભેજાબાજ યુવતી નોકરીના બહાને ૪ યુવકો પાસે રૂ. ૯.૫૯ લાખ કઢાવી ગઈ !

સોનગઢની ભેજાબાજ યુવતી નોકરીના બહાને ૪ યુવકો પાસે રૂ. ૯.૫૯ લાખ કઢાવી ગઈ !

નાયબ મામલતદાર હોવાની અોળખ આપી નોકરી અપાવવાનું કહી છેતરપીંડી કરતાં પારડી પોલીસમાં ફરિયાદ થઈ હતી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૬ ઃ ધો. ૧૨ પાસ યુવતી દ્વારા નોકરીના બહાને ચાર યુવકો પાસેથી રૂ. ૯.૫૯ લાખની ઠગાઈ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છેપારડી તાલુકાના અંબાચ ગામની અને હાલ તાપી જિલ્લાના સોનગઢના ગતાડીગામે રહેતી નિમિષાબેન હરીશભાઈ નાયકાઍ નકલી ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખ આપી હતી.

તેણે ખોટો ઓળખપત્ર તૈયાર કરી, વોટ્સઍપ અને ફોન દ્વારા ચાર યુવકોનો વિશ્વાસ જીતી તેમને કલેક્ટર ઓફિસમાં પીઍ અને ડ્રાઈવરની નોકરી આપવાનો વાયદો કર્યો હતો. જેમાં  પ્રથમ તેણે ઉદવાડાના માનવ પ્રવિણભાઈ પટેલના સંપર્કમાં આવી અને તે સુરત ખાતે નોકરી કરે છે ઍવું કહી વિશ્વાસમાં લીધો હતો. અને કચેરીમાં પીઍ તરીકેની નોકરીના નામે રૂ. ૪.૭૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં કપરાડાના વાજવડના ગુંજેશ બિપીનભાઈ પટેલ પાસેથી પણ સરકારી કચેરીમાં ડ્રાઈવરની નોકરી માટે રૂ. ૩૯,૦૦૦, બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી રૂ. ૪.૧૩ લાખ અને પારડીના મિલન સુખદેવભાઈ પટેલ પાસેથી રૂ. ૩૧,૮૦૦  મેળવી લીધા હતા. આ રીતે કુલ રૂ. ૯,૫૯,૭૫૦ પડાવી લીધા હતા. પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવતા યુવાનોઍ પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જે આધારે પારડી પોલીસે નિમિષાબેનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.