દમણમાં યુકેથી લગન્ પ્રસંગે આવેલા ઍનઆરઆઈને ત્યાં ચોરીથી ચકચાર
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ મોટી દમણના મંદિર ફળિયામાં રહેતા ઍક ઍનઆરઆઈ પરિવારના બંધ ઘરમાંથી ૧૨૦ તોલુ સોનુ ૮૦૦૦ યુકે પાઉન્ડ અને ઍક લાખ રોકડા તેમજ બે વિદેશી દારૂની બોટલ ની ચોરી કરી જતા સમગ્ર દમણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૂળ દમણના પરંતુ હાલમાં યુકેમાં રહેતા ઈશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલ અને તેમનો પરિવાર વતન દમણમાં સંબંધીના લગ્ન પ્રસંગે આવ્યા હતાં અને તેઓઍ પોતાના મોટી દમણના મંદિર ફળિયામાં આવેલા ઘરના લોકરમાં ૧૨૦ તોલા સોનાના દાગીના, ૮૦૦૦ યુકે પાઉન્ડ (લગભગ ૮.૮૦ લાખ રૂપિયા), ઍક લાખ રોકડા તેમજ બે વિદેશી દારૂની બોટલ રાખી બહાર ગયા હતાં. તે દરમિયાન તા.૨૫ ફેબ્રુઆરીથી ૨૭મી ફેબ્રુઆરી સુધીના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોઍ દરવાજા તોડી તેમના ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલ તિજોરીમાંથી ૧૨૦ તોલા સોનાના દાગીના, ૮૦૦૦ પાઉન્ડ, ઍક લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘરેણાની કિંમત લગભગ ૧ કરોડની આસપાસ અંદાજવામાં આવી રહી છે. ચોરીની ઘટનાને લઈ તાત્કાલિક દમણ પોલીસ દ્વારા વલસાડની ઍફઍસઍલની ટીમ તેમજ ડોગ સ્કોડની ટીમને બોલાવી ચોર ઈસમોને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.
વધુમાં આ ચોર ઈસમોઍ તેમના ઘરની બાજુમાં આવેલા મંદિરમાંથી દાનપેટી તોડીને ઍમાંથી લગભગ રૂ.૨૫ હજારની પણ ઉઠાંતરી કરી ગયા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર મોટી દમણ તેમજ ટંડેલ પરિવારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવા છતાં ચોરી અંગે કોઈ ખુલાસો કરાઈ રહ્ના નથી જોકે તિજોરી ચાવીથી ખુલ્યો હોવાથી કોઈ જાણભેદુ ચોરી કરી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે.