વાપી નોટિફાઇડ મેનેજમેન્ટ કમિટીની મનમાની સામે ફરિયાદ
- byDamanganga Times
- 01 March, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી,તા.૨૮ઃ વાપી નોટિફાઈડ વિસ્તારમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં પૂર્વ રેસિડેન્ટ સભ્ય અને ભાજપ નોટિફાઈડના ત્રણ ટર્મ સુધી પ્રમુખ રહેલ મહેશભાઈ પટેલે વાપી નોટિફાઈડ વિસ્તારમાં કોના ઈશારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની ગેરકાયદેસર મિટિંગનું આયોજન કરાય છે તેવા પ્રશ્નો ઊભા કર્યા છે અને તેઓઍ જણાવ્યું કે, સત્તા પર બેસી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું બંધ થાય નહીં તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.
વાપી જીઆઇડીસીના ચણોદ કોલોની ખાતે રહેતા અને ભાજપના અગ્રણી ઍવા મહેશભાઈ ભટ્ટે વાપી નોટિફાઇડ બોર્ડના ચીફ ઓફિસરને પત્ર લખી જણાવ્યું હતું કે, મેં નોટિફાઈડ વિસ્તારનાં ચીફ ઓફિસરને બોર્ડની પ્રથમ મિટિંગમાં નિયમો વિરુદ્ધ કાર્યવાહી કરાયાની ફરિયાદ કરેલ, મારી ફરિયાદનો કંઈપણ જવાબ ન આપી તા.૨૫ ફેબ્રુઆરીઍ બોર્ડની બીજી મિટિંગ કરેલ છે તેવું સ્થાનિક અખબારોમાં જાણવા મળેલ છે. જ્યારે પ્રથમ મિટિંગમાં કરેલ કાર્યવાહીની દરખાસ્ત ગાંધીનગર વડી કચેરીઍ દરખાસ્ત મંજૂરી અર્થે મોકલેલ છે, વડી કચેરીઍ તપાસ કરતા અધિકારીઍ જણાવેલ કે નિયમ મુજબ કાર્યવાહી ન થતાં દરખાસ્ત સરકારમાં મોકલવાની થાય છે. સરકારમાં દરખાસ્ત ગઈ હોય અને સરકાર તરફથી કંઈપણ પ્રત્યુત્તર વડી કચેરીખાતે આવેલ હોવાનું ધ્યાને નથી. શું વાપી નોટિફાઈડ વિસ્તારને ગુજરાત રાજ્ય સરકાર કે વડી કચેરીનાં આદેશ કે જવાબની જરૂર જ નથી કે શું? આવી પ્રવૃત્તિઓ બાબતે માટે વાપી નોટિફાઈડ વિસ્તારનું બોર્ડ જાણીતું બન્યું છે અને તેને લઈ બબ્બે વાર બોર્ડને બરખાસ્ત કરવાની નોબત પણ ભૂતકાળમાં આવેલ છે. આના માટે જવાબદારને કસૂરવાર જાહેર કરી યોગ્ય પગલાં લેવા મારી માંગ છે. જેને લઇ સમગ્ર વાપી નોટીફાઈ વિસ્તારમાં ભારે ચકચાર અને ચર્ચાનો વિષય બન્યો છે.