મૂળભૂત ઉપદેશો બદલવાની જરૂર
- byDamanganga Times
- 01 March, 2025

માનવ-સંબંધો
સ્વામી સચ્ચિદાનંદ
ઘણા લોકો કશી સૂચના આપ્યા વિના જમવાના સમયે જમવાની ઇચ્છાઍ આવી પહોંચતા હોય છે. આ પણ યોગ્ય નથી. આવા માણસો અણગમતા થઈ જતા હોય છે. તે કોઈ કામ કરાવવા આવ્યા હોય તો તેમનું કામ થતું નથી. કારણ કે તે અપ્રિય બની ગયા હોય છે. સમય માગીને આવવું અને સમયસર જ આવવું તથા કાર્ય પત્યા પછી માનપૂર્વક વિદાય થવું ઍ સભ્યતા છે. અણઘડતાથી અસભ્યતા પ્રગટતી હોય છે જે વ્યક્તિને કદયવહાર સુંદર અને ગમતો હોવો જોઈઍ. ઘડાયેલો માણસ લોકોનું મન મોહી લે છે. અણઘડ માણસ લોકોનાં મનને ઉદ્વિગ્ન કરી નાખે છે. પોતાની નાની સરખી ભૂલ થઈ હોય તોપણ ક્ષમા માગવી ઍ ઘડતર છે. મોટી ભૂલ કરીને પણ ક્ષમા તો ન માગવી, પણ ઉપરથી તોછડાઈ બતાવવી ઍ અણઘડતા છે. આ આચારિક કદરૂપાપણું છે. માતા અને પિતા આવી આચારિક કદરૂપતાથી બાળકને મુક્ત રાખી, આચારિક સુંદરતા ખીલવી આપે તે તેમની જવાબદારી છે. પરસ્પરની વાતચીતમાં મીઠી અને શિષ્ટાચારયુક્ત વાણી બોલવી, યોગ્યતા પ્રમાણે નમસ્કાર કરવા, આવકાર આપવો ઍ ઘડતર છે.
સંતપરંપરામાં તો જે પહેલો નમે —પ્રણામ કરે, હાથ જોડે તેને મહાન માન્યો છે. પણ સંતપરંપરા અને કટ્ટર સાંપ્રદાયિક પરંપરામાં આચારિક ભેદ રહેતો હોય છે. ઍક પોતાનાં આચરણો દ્વારા પોતાની નિરભિમાનિતા અને નમ્રતા બતાવતો હોય છે, જ્યારે બીજો વગરયોગ્યતાઍ દંભ અને આડંબરનો દેખાવ કરતો હોય છે. તેના મનમાં હું મોટો છું તેવો મિથ્યા ગર્વ બેઠો હોય છે જેથી કદરૂપો આચાર કરતો હોય છે.
ચૈતન્ય મહાપ્રભુ, કબીર, નાનક વગેરે અનેક સંતપરંપરાના મહાપુરુષોઍ પોતાને દાસાનુદાસ થઈને રહેવાનો ઉપદેશ આપ્યો છે, જેથી તેમના સાધુ-સંતો અત્યંત નમ્રતાભર્યો વ્યવહાર કરતા હોય છે. જો તમારે પરસ્પરમાં પ્રેમભાવથી રહેવું હોય તો વિનય-વિવેકભર્યો વ્યવહાર કરવો જ જોઈઍ. ઍટલું જ નહિ, જો તમારે નિરહંકારી થઈને આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તોપણ હું મોટો છું. ઍવી મિથ્યા અહંકારી વૃત્તિ, ત્યાગવી જ જોઈઍ. યોગ્ય ઘડતરના અભાવે આવું થતું હોય છે.
બાળકને વીરતાના સંસ્કાર આપવા જોઈઍ. ઘરમાં વીરપુરુષોનાં ચિત્રો રાખવાં જોઈઍ તથા વારંવાર વીરગાથાઓનું શ્રવણ કરવું— ન કરાવવું જોઈઍ. બાળકને રમવાનાં રમકડાંમાં પણ કેટલાંક શસ્ત્રો રાખવાં જોઈઍ. જેથી તેને શસ્ત્રો પ્રત્યે રસ જાગે. તે નમાલો ન બને તે માટે શક્ય તેટલા બધા જ ઉપાયો કરવા અને સંસ્કારો આપવા જોઈઍ. તેને વારંવાર ભૂત-બાવો-સિપાઈ વગેરે નામોથી બિવડાવવો ન જોઈઍ. સાથે સાથે તે ગુંડાગીરી કરતો કે આતંકવાદી ન થઈ જાય તેની પણ કાળજી રાખવી જોઈઍ. તે નિર્દોષ જીવ-જંતઓનો હિંસક ન બને તેની પણ કાળજી રાખવી જોઈઍ.
ઘરમાં આદર્શ પતિવ્રતા અને વીરાંગના સ્ત્રીઓનાં ચિત્રો રાખવાં જોઈઍ તેનાં ઉમદા ચરિત્રો અને વીરગાથાઓ સંભળાવતાં રહેવાં જોઈઍ સતત આવા પ્રસંગોથી બાળકનું બ્રેઇનવાશ થતું હોય છે ઍથી જીવનભર તેનામાં સંસ્કારો દૃઢ થઈ જતા હોય છે. બાળક બહુ ભગતડું ન થઈ જાય તેની પણ કાળજી રાખવી હિતાવહ છે. તેનામાં ભક્તિભાવ-ઉપાસના વગેરે આવે તે જરૂરી છે. પણ સાથે સાથે તે કર્મયોગી બને તે પણ જરૂરી છે. તે પુરુષાર્થવાદી બને અને કર્મઠ જીવન જીવે તેવા સંસ્કારો નાખવા જોઈઍ. આળસુ-પ્રમાદી. પ્રારબ્ધવાદી કે જ્યોતિષવાદી ન થઈ જાય. કોઈ નડતર કે વહેમીલાં કર્મકાંડોમાં રસ લેતો ન થઈ જાય તે પણ જરૂરી છે. માતા પોતે જો અંધશ્રદ્ધાળુ હશે તો બાળકમાં પણ અંધશ્રદ્ધાના સંસ્કાર આવી જશે. ઍટલે માતા-પિતા પોતે અંધશ્રદ્ધાથી મુક્ત થાય તે જરૂરી છે. પણ સાથે સાથે તે શ્રદ્ધાળુ બને તે પણ જરૂરી છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ સમજવો જોઈઍ. વિરોધ અંધશ્રદ્ધાનો હોય, શ્રદ્ધાનો નહિ. શ્રદ્ધા ઍ ઉચ્ચ જીવનનો મૂલાધાર છે. બાળકને નાસ્તિકતાથી બચાવવું જોઈઍ. તે માટે જરૂરી છે કે તે નાસ્તિકતાના સંસર્ગથી દૂર
રહે. માતા-પિતા પોતે પણ આવા સંસર્ગોથી દૂર રહે. બાળકને સાહસવૃત્તિની -ેરણા આપવી જોઈઍ. યાત્રાઓ કે પ્રવાસોમાં તેને સાથે લઈ જવો, દૃશ્યોની અસર તેના ઉપર પડતી જ હોય છે. સમૂહસ્નાન, પર્વતારોહણ, નૌકાચાલન વગેરે દૃશ્યો તેને બતાવવાં જોઈઍ તથા તેવું કરવાની પ્રેરણા પણ આપવી જોઈઍ તેને તરવાની કળા, ઘોડેસવારી, દોડવું, વ્યાયામ, લાઠી, તલવાર, બંદૂક, કરાટે વગેરે ઉંમર પ્રમાણે જરૂર શિખવાડવું જોઈઍ. તે ઍકલો પાંચને ભારે પડે તેવું તેનું શરીર બને તેવી રમતો શિખવાડવી જોઈઍ. પ્રાચીનકાળમાં ઋષિઓ સ્ત્રીને આશીર્વાદ આપતા વીર-સૂભવ અર્થાત્ વીર બાળકોને જન્મ આપનારી થા. કાળે કરીને ધર્મ બદલાયો, સંસ્કારો બદલાયા.
વીરતાની જગ્યાઍ નમાલાપણું વધારનારી અહિંસા આવી ઍટલે શસ્ત્રવિરોધી તથા સાહસવિરોધી વૃત્તિઓ ખીલવવામાં આવી આવી વૃત્તિઓથી બાળકો અને તેમાંથી થયેલા યુવાનો બીકણ વૃત્તિવાળા – નમાલા થવા લાગ્યા, જેથી વિદેશી અને વિધર્મીઓને આક્રાન્તા થવાનું તથા અધિકાર જમાવવાનું ફાવી ગયું. આવનારી નવી પેઢી આવી ન થાય તે માટે મૂળભૂત ઉપદેશો બદલવાની જરૂર છે. (ક્રમશઃ)