વાપીમાં સફાઈકર્મીઅોના ૨૬ મકાનો ઍક માસમાં હટાવવાનું અલ્ટીમેટમ
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૭ઃ વાપી મહાનગરપાલિકાના ખડકલા ખાતે આવેલ સરકારી જમીનમાં વર્ષોથી રહેતા આવેલા સફાઈ કામદારોને ઍક મહિનામાં મકાનો હટાવી દેવાની મહાનગરપાલિકા દ્વારા મૌખિક ચીમકી આપતા સફાઈ કામદારોમાં ફફડાટ ફેલાયો છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ઍક ગામ હતું. ત્યારથી લઈને આજ સુધી વાપીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા પરિવારના લોકો પહેલા વાપી નગરપાલિકાની સામેની ખુલ્લી જગ્યામાં અને ત્યારબાદ વાપી નગરપાલિકા બનતા જ તેને ત્યાંથી હટાવી નામધા ખડકલા રોડ ઉપર સરકારી જમીનમાં ખસેડી દેવામાં આવ્યા હતા જ્યાં લગભગ ૨૬ થી ૨૭ જેટલા કાચા મકાનો આવેલા છે જે મકાનો હાલમાં રસ્તો પહોળો કરવાના કારણે દબાણમાં આવતા હોય મહાનગરપાલિકા દ્વારા આ તમામ ગેરકાયદે સરકારી જમીનમાં વસવાટ કરતા જુના સફાઈ કામદારોને તેમના મકાનો હટાવી દેવામાં માટે આજે વાપી મહાનગરપાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઍક મહિનામાં કે તે પહેલા તમામ મકાનો હટાવી દેવા જણાવાયું છે જેને લઇ આ સ્થળે રહેતા મોટાભાગના દલિત અને સફાઈ કામદાર ભારે ચિંતામાં મુકાયા છે જોકે મહાનગરપાલિકા દ્વારા આ તમામ ઝુંપડાવાસીઓને અન્ય સ્થળે ખસેડવાની યોજના પણ બનાવી હોવાનું જાણવા મળ્યું છે.