દાનહમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
- byDamanganga Times
- 28 February, 2025
.jpg)
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સેલવાસ,તા.૨૭ઃ દાદરા નગર હવેલીમાં ગુજરાત બોર્ડની ઍસઍસસી (ધોરણ ૧૦) અને ઍચઍસસી (ધોરણ ૧૨) ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને તિલક લગાવી ફૂલ અને બોલપેન અપાયા હતા અને તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોરે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને ફૂલ, બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી. જયારે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને ભાજપના પદાધિકારીઓ દ્વારા તિલક લગાવી ફૂલ આપી શુભેચ્છા આપવામાં આવી હતી.
ધોરણ ૧૦ ની પ્રથમ ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. આ માટે કુલ ચાર પરીક્ષા કેન્દ્રો પર ૧૫ યુનિટ ફાળવવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ, રાખોલી, દપાડા અને ગલોણ્ડા સ્થિત પરીક્ષા કેન્દ્રોમાં કુલ ૫૦૩૭ વિદ્યાર્થીઓમાંથી ૪૯૫૬ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી.
ધોરણ ૧૨ માટે બે પરીક્ષા કેન્દ્રો પર આઠ યુનિટ ફાળવવામાં આવ્યા હતા. વિજ્ઞાન પ્રવાહ માટે સેલવાસ ખાતે ઍક પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યું હતું, જ્યાં ૬૩૬માંથી ૬૨૮ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહમાં ૨૧૦૬ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પરીક્ષા દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.