બીલીમોરામાં પોલીસના નાક નીચે જ બુકાનીધારી ઘરમાં ઘુસી ચપ્પુની અણીઍ મંગળસૂત્ર આંચકી ગયા
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૭ઃ બીલીમોરા પોલીસ સ્ટેશન સામે સહયોગ સોસાયટીના ઍક બંગલામાં ગુરુવાર સવારે બે અજાણ્યા બુકાનીધારી ઘુસી આવ્યા હતા અને સોફા ઉપર બેસેલી ગૃહિણીના ગળા ઉપર ધારદાર છરા મૂકી ગણતરીની મિનિટમાં ૨૦ ગ્રામ સોનાના મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થયા હતા. શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી ચકચારી લૂંટ ઘટના અંગે પોલીસ મથકમાં ગુનો નોંધાયો ન હતો.
બીલીમોરા સ્ટેશન રોડ ઉપર લક્ષ્મી પેલેસ સામે જાણીતી ગાંધી લેબોરેટરીનાં સંચાલક મહેશભાઈ મોહનભાઇ ગાંધી પરિવાર પોલીસ સ્ટેશન સામે સહયોગ સોસાયટીમાં રહે છે. દરમિયાન ગુરુવાર સવારે ૧૧ઃ૩૦ કલાકના અરસામાં મહેશભાઈ પોતાની લેબમાં ગયા હતા. જ્યારે તેમના ધર્મપત્ની મીતાબેન ઘરે સોફા ઉપર બેસી પુસ્તક વાંચી રહ્નાં હતાં. તે સમયે ગેટનો દરવાજો ખોલી બે યુવાનો કાળા રંગના કપડાં અને બુકાની બાંધી ઍકાઍક ધસી આવ્યા હતા. તેમને જોઈ મીતાબેન ગાંધીઍ કોણ છો ની બૂમ પાડી હતી. બંનેઍ હાથમાં રાખેલા બે છરા મીતાબેનના ગળા ઉપર રાખી દીધા હતા. અને ચૂપ કરી દીધી હતી. દરમ્યાન ઘરકામ કરી રહેલી ગીતાબેને છરા સાથે અજાણ્યાને જોતા ઘર પાછળ મદદ માટે બુમો પાડી હતી. આથી તેને અટકાવવા છરાધારી ઍક યુવાન તેની પાછળ દોડ્યો હતો. તે વેળા બુકનીધારી યુવાન મીતાબેનના ગળામાંથી ૨૦ગ્રામ સોનાનું મંગળસૂત્ર તોડી ઘર બહાર દોડી ગયો હતો. બુમાબુમના અવાજથી ડરી બીજો બુકાનીધારી ગીતાબેનનું ગળું ચેક કરી, પોતાનો સાગરીત મંગળસૂત્ર લઈ ગયો કે નહીં તે ચેક કરી ભાગી નીકળ્યો હતો. આમ પગપાળા ચાલતા આવી ઘરમાં ઘુસી લૂંટારા પોલીસ મથક સામે માંડ ૫૦૦ મીટરના અંતરે બિન્દાસ લૂંટ ચલાવી ગયા હતા. લૂંટારુઓ લૂંટ કરી ભાગી જતા દ્રશ્યો સામેનાં બંગલાનાં સીસીટીવી કેમેરામાં કૈદ થયા હતા. જે શહેરભરમાં વાયરલ થતા પોલીસની હાકધાક સામે તર્ક વિતર્ક વહેતા થયા હતા. તેમ છતાં બીલીમોરા પોલીસે ગુરુવાર સાંજ સુધીમાં કોઈ ગુનો નોંધ્યો ન હતો. આ અતિશય ગંભીર ઘટનામાં પોલીસ માત્ર અરજી લીધી હોવાનું જાણવા મળે છે. પોલીસે આવા ગંભીર ગુનામાં ગંભીરતા દાખવવાની જરૂરીયાત છે. અન્યથા ગુનેગારોને મોકળું મેદાન મળી જશે. ત્યારે પોલીસ આવા કેસમાં ઉદાહરણરૂપ પગલાં લેવા જોઈઍ ઍવી લોક ચર્ચા જાગી હતી.