ખતલવાડા કેન્દ્ર ખાતે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પ્રારંભ
- byDamanganga Times
- 28 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૭ ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા શરૂ થઈ. ઉમરગામ તાલુકાના ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓ અત્યાર સુધી બોર્ડની પરીક્ષાઓ ૪૦ કિ.મી. દૂર વાપી કેન્દ્ર ખાતે આપવા જતા હતા જેના કારણે તેમનો સમય બગડતો હતો તથા પરીક્ષા સમયે અનેક મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી . જ્યારે આ વાત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રીબેન ટંડેલના ધ્યાને આવતા તેમણે આ મુશ્કેલીઓ અંગે બોર્ડને રજૂઆત કરી. તેના ફળ સ્વરૂપે આ વર્ષથી ઉમરગામ તાલુકાના ખતલવાડા ખાતે શ્રી ખતલવાડા કેળવણી મંડળ સંચાલિત શાહ જે.જી. સાર્વજનિક હાઇસ્કુલ, ખતલવાડા ખાતે વિજ્ઞાન પ્રવાહના નવા કેન્દ્રની બોર્ડ દ્વારા ફાળવણી કરવામાં આવી . આજરોજ બપોરે ૨.૧૫ વાગે શ્રી ખતલવાળા કેળવણી મંડળના ટ્રસ્ટી સેક્રેટરી પ્રસાદ ઢાપરે, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય મનોજકુમાર પટેલ, સ્થળ સંચાલક શિરીષભાઈ પટેલ, શાળાના શિક્ષકો દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનું મીઠું મોં કરાવી દરેક વિદ્યાર્થીઓને ઍક ઍક પેન આપી સ્વાગત કરવામાં આવ્યું. આ તમામ વિદ્યાર્થીઓ હર્ષ ઉલ્લાસથી સુંદર વાતાવરણમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર પોતાના વાલીઓ સાથે આવ્યા હતાં. પરીક્ષાના સુચારુ સંચાલનમાં તમામ કર્મચારીઓ પાયાની ભૂમિકા ભજવે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે ઍવી અભ્યર્થનાને શુભેચ્છા શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રસ્ટીઓઍ આપી હતી.