દાનહના શિવમંદિરોમાં ભક્તોનો મેળો
- byDamanganga Times
- 27 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૬ ઃ દાદરા નગર હવેલીના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ભક્તોનો જંગી મેળો ઉમટ્યો હતો. શ્રદ્ધાળુઓઍ લાંબી કતારમાં ઉભા રહી ભગવાન શંકરના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા. હર-હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભક્તોઍ દુધાભિષેક, રુદ્રાભિષેક, પંચતત્વાભિષેક સહિત વિવિધ વિધિઓ કરી. સેલવાસ નજીક લવાછા ગામે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર ખાતે રાજ રામેશ્વર મહાદેવ મંદિર, આમલી બાલાજી મંદિર, ખાનવેલ નજીક બિન્દ્રાબીનમાં તડકેશ્વર મહાદેવ મંદિર, દુધનીમાં દુધેશ્વર મહાદેવ મંદિર, બાલદેવીમાં ભવનાથ મહાદેવ મંદિર, નરોલી ગામે ગુેશ્વર મહાદેવ મંદિર, બોરીગામના ગાયેશ્વર અને ગુેશ્વર મહાદેવ મંદિર, બોન્ટા ગામે તડકેશ્વર મહાદેવ મંદિર, ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, દાદરા ગામે દેમણી રોડ સ્થિત જ્યોતીશ્વર મહાદેવ મંદિર, કરાડ મધુબન કોલોની ગંગેશ્વર મહાદેવ મંદિર, મસાટમાં સોમેશ્વર મહાદેવ મંદિર અને દાદરા જ્યોતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.
મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, યજ્ઞ, ભજન-સંધ્યા અને ડાયરા (સંગીત કાર્યક્રમ)નું આયોજન કરાયું હતું. સાથે જ આયોજકો દ્વારા ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યાં શ્રદ્ધાળુઓઍ ભક્તિભાવથી પ્રસાદ લીધા. આ શુભ અવસરે દાદરા નગર હવેલીના મંદિરોમાં શ્રદ્ધા અને ભક્તિનો ભવ્ય દ્રશ્ય સર્જાયો હતો.