વાપી નોટિફાઇડ બોર્ડની બેઠક મળી
- byDamanganga Times
- 26 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી,તા.૨૫ઃ વાપી નોટિફાઇડ બોર્ડની આજે બીજી બેઠક અધ્યક્ષ યોગેશભાઈ કાબરીયાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં નોટિફાઇડ વિસ્તારમાં લોકોને સુવિધા મળી રહે તેવા પાંચ જેટલા મહત્વના નિર્ણયો લેવાયા છે.
વાપી નોટીફાઈડ ઍરીયા સંચાલક મંડળના અધ્યક્ષ યોગેશભાઈ કાબરીયાની અધ્યક્ષતામાં અને વાપી નોટીફાઈડ ઍરીયા સંચાલક મંડળના સભ્યો વાપી જીઆઇડીસીના વિભાગીય મેનેજર શ્રીમતી મનીષા વિશેન, પ્રાદેશિક મેનેજર દિનેશભાઇ પરમાર, વાપી નિર્દિષ્ટ વિસ્તારના મુખ્ય આધિકારી દેવેન્દ્ર સાગર, વીઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલ, કલ્પેશભાઈ વોરા, ઉદ્યોગકારો મગનભાઈ સાવલિયા અને રહેણાંક વિસ્તારમાંથી હેમંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપી નોટીફાઈડ ઍરીયા સંચાલક મંડળના બીજી બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં નીચે મુજબના ઍજન્ડાની ચર્ચા કરીને સર્વ સંમતિથી બહાલી આપવામાં આવી હતી.
સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ ડિઝાસ્ટર પ્રિવેન્શન ઍન્ડ મિટિગેશન સેન્ટર (ઝ઼ભ્પ્ઘ્) સ્થાપવા માટે રકમ રૂ.૪૮.૪૮ કરોડની સહાયની મંજૂરી સરકાર તરફથી મળેલ. જે મંજૂરીને ધ્યાને લઇ કામગીરીના ટેન્ડર પ્રક્રિયા માટે તજજ્ઞની નિમણુંક કરવાની મંજૂરી આપવામાં આવી છે.
તેમજ જીઆઇડીસી વાપી ખાતે ઇન્ટકેવેલના નવીનીકરણ માટે ઍ.આઈ.આઈ. યોજના હેઠળ સરકારમાં પ્રોજેક્ટ મુકવા માટે રકમ રૂ.૩૦.૧૧ કરોડના અંદાજને મંજૂરી આપવામાં આવી.
વાપી વસાહતમાં વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક પાસે આવેલ સર્વિસ રોડ તથા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા કરવા આજની સભામાં જણાવવામાં આવ્યું હતું.
વાપી ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલની માળખાકીય સુવિધામાં અપગ્રડેશન કરવા જુદી જુદી સંસ્થાઓના તથા અલગ અલગ ઔદ્યોગિક વસાહતોના સર્વે કરી તજજ્ઞની નિમણુંક કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ વસાહતમાં ચાલતા રોડની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.
વધુમાં રહેણાંક વિસ્તારમાં આવેલ રામલીલા ઉદ્યાનને રી-ડેવલોપમેન્ટ કરવા માટેની ડિઝાઇન નક્કી કરી આગામી દિવસોમાં ટેન્ડર પ્રકિયા કરવા સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.