Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

બીલીમોરામાં બ્યુટીપાર્લરમાંથી પર્સ ઉઠાંતરી પ્રકરણમાં બેની ધરપકડ

બીલીમોરામાં બ્યુટીપાર્લરમાંથી પર્સ ઉઠાંતરી પ્રકરણમાં બેની ધરપકડ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૨૫ઃ બીલીમોરા બીલીનાકા વિસ્તાર સ્થિત ટીશા બ્યુટીપાર્લરમાં ત્રણ સાહ અગાઉ ફેસિયલ ટ્રીટમેન્ટ કરાવતી પુત્રી અને માતાની નજર ચૂકવી અજાણી ત્રણ મહિલા રૂ.૧.૫૪ લાખની માલમત્તા ભરેલું પર્સ તફડાવી રવાના થઈ હતી. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નવસારી ભેંસતખાડા વિસ્તારમાંથી વેગનઆર કાર સહિત રૂ.૧,૦૫,૫૦૦ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી અને પાંચને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બીલીમોરા નજીક દેવસર વ્યટેકશ્વર નગરમાં રહેતી જ્યોતિબેન સાજનસિંગ સરદાર(૩૯) ત્રણ સાહ અગાઉ પોતાની બે પુત્રીઓ સાથે બીલીનાકા ટીશા બ્યુટીપાર્લરમાં ફેસિયલ કરાવવા ગઈ હતી. જે વેળા અજાણી મહિલાઓ નજર ચૂકવી પર્સ તફડાવી પલાયન થઈ હતી. દાગીના અને રોકડ મળી કુલ રૂ.૧.૫૪ લાખની માલમત્તા ભરેલું પર્સ ચોરી થયું હતું. ત્રણ અજાણી મહિલાઓ સીસીટીવીમાં કૈદ થઈ હતી. દરમ્યાન નવસારી ઍલસીબી પોલીસને બાતમી મળી હતી કે મુંબઈ મહારાષ્ટ્ર તરફથી સિલ્વર રંગની વેગનઆર કાર નં. ઍમઍચ-૦૩-ઝેડ-૯૫૯૪ માં ચાલક અને મહિલાઓ આવે છે જે ભીડ વાળી દુકાનોમાં નજર ચૂકવી રોકડા, દાગીના ચોરી કરી મહારાષ્ટ્ર તરફ જતા રહે છે. જે આધારે નવસારી ભેંસતખાડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. અને વેગન આર કાર ને રોકી આરોપી કરણ દિલીપ ભોંસલે (૨૬) અને માધુરી ક્રિષ્ના સીંદે(૨૮) બંને રહે. ગાયત્રીનગર ઝૂંપડપટ્ટી, ભીવંડી, મુંબઈને ઝડપી લીધા હતા. અને પૂછપરછ કરતા મહિલા સાથીદાર સાથે બીલીમોરા ના ટીશા બ્યુટીપાર્લર માં પર્સ ચોરી ની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે સોનાની કડી નં.૧, ચાંદી નું કડું ૧, ચાંદી ની પાયલ જોડ ૪ અને પાયલ -૧, ચાંદી ની ચેન-૨, ચાંદી ની વીંટી -૩, ચાંદી નું લુઝ-૧ મળી રૂ.૩૦,૩૦૦ તેમજ રોકડા રૂ.૫૨૦૦, મોબાઈલ નં.૨ કિંમત રૂ.૨૦હજાર, વેગન આર કાર રૂ.૫૦ હજાર મળી ૧,૦૫,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ આરોપી ગીતા કરણ ભોંસલે, જ્યોત્સના દિલીપ ભોંસલે, જીચાવલા દિલીપ ભોંસલે અને શશીકલા તમામ રહે. ગાયત્રી નગર, ઝૂંપડપટ્ટી, શાંતીનગર, ભીવંડી, થાણે મુંબઈ, મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરાયા હતા.