બોર્ડના વિદ્યાર્થીઅો, બસ કે વાહન ચૂકી જાવ તો ગભરાશો નહીઃ ડીઍસપી
- byDamanganga Times
- 26 February, 2025

(દમણગંગા ટાઇમ્સ)
વલસાડ,તા.૨૫ઃ વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ- દાનહના ધો. ૧૦ અને ધો.૧૨ બોર્ડના કુલ ૪૯૮૪૯ વિદ્યાર્થીઓ આગામી તા. ૨૭ ફેબ્રુઆરીથી પરીક્ષા આપનાર છે. ત્યારે તેઓ બોર્ડની પરીક્ષા કોઈ પણ ચિંતા વગર ભયમુક્ત વાતાવરણમાં આપી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે તે માટે જિલ્લા કલેકટર નૈમેષ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાઍ તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.
બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેકટર નૈમેષ દવેઍ જણાવ્યું કે, વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને દાનહમાં કુલ ૧૫૧ બિલ્ડિંગમાં ધો. ૧૦ અને ૧૨ના કુલ ૪૯૮૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આટોપી લેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રનું લોકેશન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલ દ્વારા નવી પહેલ કરી ક્યુઆર કોડ વાળી પુસ્તિકા જાહેર કરવામાં આવી છે. જેનો વિદ્યાર્થીઓ અને વાલીઓ લાભ લઈ શકે છે. તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી સફળતાના શિખરો સર કરે ઍવી શુભેચ્છા પાઠવુ છું.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાઍ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, તમે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે તેને પરીક્ષામાં ઉત્તરવહીમાં જવાબરૂપે ઉતારવાની આ તક છે. પરીક્ષા આપવા નીકળો ત્યારે કોઈ બસ કે વાહન ચૂકી જાવ તો ગભરાવવુ નહી અને નિડ્ઢિંત થઈ ૧૦૦ નંબર પર કોલ કરજો, તુરંત વલસાડ પોલીસનું વાહન તમારી સેવામાં હાજર થશે જે તમને તમારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
વધુમાં ખાસ જણાવવાનું કે, ધો. ૧૨ના વિદ્યાર્થીઓઍ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે જે વિષયમાં રૂચિ હોય તે વિષયમાં ગ્રેજ્યુઍશન કરવુ જોઈઍ. ઓછામાં ઓછુ ગ્રેજ્યુઍશન કરશો તો જ સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ તમારી કારર્કિદી ઉજ્જવળ બનાવી શકશો. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.