Damanganga Times.

Damanganga Times.

April 04, 2025

વાપીના ઉદ્યોગકાર હેમંતભાઈ શાહને આઈઍઆરઆઈ ઇનોવેટિવ ફાર્મર પુરસ્કાર

વાપીના ઉદ્યોગકાર હેમંતભાઈ શાહને આઈઍઆરઆઈ ઇનોવેટિવ ફાર્મર પુરસ્કાર

વાપી, તા.૨૫ ઃ વાપીના અગ્રણી ઉદ્યોગપતિ વાપી પ્રોડક્ટના ચેરમેન અને શિક્ષણ તથા સમાજસેવા ક્ષેત્રે સંકળાયેલા શ્રેષ્ઠી મહાજન ઍવા હેમંતભાઈ શાહને દિલ્હીમાં ઇન્ડિયન ઍગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના પુસા મેલામાં આઈ. ઍ. આર. આઈ. ઇનોવેટિવ ફાર્મર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સમગ્ર દેશમાંથી કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી અને સિદ્ધિ મેળવનારા તથા નવી દિશા ચીંધનારા ખેડૂતોને પસંદગી કરી સન્માનિત કરવાના ઉપક્રમ હેઠળ તાજેતરમાં દિલ્હી ખાતે ખેડૂતોના સન્માનનો સમારંભ યોજાઈ ગયો. કૃષિ મંત્રાલય હેઠળના આઈ. સી.ઍ.આર.ના ડાયરેક્ટર જનરલ હિમાંશુ પાઠક, ઇન્ડિયન ઍગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મહાનિર્દેશક ડો. શ્રી નિવાસન રાવ,  નિર્દેશક ડો. રાજવીર સિંહ અને ઉપનિર્દેશક ડો. ડી.કે. યાદવ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા ઍક વિશેષ કાર્યક્રમમાં દેશના અન્ય પ્રગતિશીલ ખેડૂતો સાથે વાપીના હેમંતભાઈ શાહને કૃષિ જગતના સંશોધકો અને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ બિહારના પટનાથી વર્ચ્યુઅલ મોડમાં જોડાયા હતા અને વિજેતાઓને અભિનંદન આપ્યા હતાં.

રાષ્ટ્રીય સ્તરે વાપીના પ્રાકૃતિક કૃષિકાર અને ગૌપાલક, ઉદ્યોગપતિ હેમંતભાઈ શાહના આ સન્માનથી વલસાડ જિલ્લાના કૃષિ અને ઉદ્યોગ જગતનું ગૌરવ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે હેમંતભાઈ શાહ ઍક ઉદ્યોગપતિ હોવા ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત છે અને તેમણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરી પાક માટે સોલાર અને ડ્રીપ ઇરીગેશન સાથે અધ્યતન પ્રવિધિ પ્રયોજી ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. તેમણે જુદી જુદી જાતિના આંબાના ૩૫૦૦ થી વધુ વૃક્ષો અને ૨૫૦ થી વધુ ચીકુના વૃક્ષો ઉછેરી ઍક ઉદાહરણ રજૂ કર્યું છે. 

હેમંતભાઈ શાહને પ્રાકૃતિક કૃષિ અને ગૌઆધારિત કૃષિ માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમને અગાઉ દેશી ગીર જાતિના ગૌવંશના સિલેક્ટિવ બ્રિડિગ મારફતે ઉચ્ચ દૂધ ઉત્પાદન આપતી ગાયોની શુદ્ધ જાતિના સંવર્ધન અને પરંપરાગત ભારતીય પશુપાલનને પુનર્જીવિત કરવા માટે ડેરી વ્યવસાયમાં શ્રેષ્ઠ પ્રદાન માટે ‘નેશનલ ગોપાલ રત્ન ઍવોર્ડ’ પણ અગાઉ પ્રા થઈ ચૂક્યો છે. વાપીના ગૌપાલક અને કૃષિકાર ઉદ્યોગપતિ હેમંતભાઈ શાહના આ રાષ્ટ્રીય સન્માનથી વાપી અને વલસાડ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો સહિત ઉદ્યોગકારો અને જૈન સમુદાયમાં આનંદની અને ગૌરવની લાગણી ફેલાઈ છે.