બીલીમોરા-ગણદેવી માર્ગ ઉપર મોપેડ સવાર મહિલાને આંતરી હુમલા પ્રકરણમાં ૩ ઝડપાયા
- byDamanganga Times
- 24 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા,તા.૨૩ઃ બીલીમોરા-ગણદેવી માર્ગ ઉપર બે મહિના અગાઉ મોપેડ સવાર મહિલાને આંતરી અજાણ્યા બુકાનીધારીઓ બેઝબોલ, હોકીથી હિંસક હુમલો કરી ફરાર થતાં ચકચાર મચી હતી. ભોગ બનનાર મહિલાની ફરિયાદ આધારે પોલીસે ઝીણવટભરી તપાસ બાદ તાપીનાં સોનગઢથી ત્રણ આરોપીઓને દબોચી લઈ જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતા.
સુરતની મેડિકલ કોલેજમાં સંશોધન અધિકારી તરીકે ફરજ બજાવતી અને બીલીમોરા નજીક દેવસર ગામે રહેતી મોનીકા ભાસ્કરભાઈ પટેલ(૩૬) બે મહિના અગાઉ ગત તા.૩/૧૨/૨૦૨૪ ના રોજ નિત્યક્રમ અનુસાર મોપેડ ઉપર સ્ટેશને જવા નીકળી હતી. પોતાના ઘરથી થોડે દુર ગણદેવી રોડ ઉપર બંધ પડેલી ગુજકેમ કંપની સામેથી સ્ટેશન તરફ આગળ વધી રહી હતી. તે વેળા ઍક વાહનમાં ધસી આવેલા બુકાનીધારીઓઍ મોપેડને આંતરી હતી અને મહિલા કઈ સમજે તે અગાઉ બેઝબોલ અને હોકીથી હિંસક હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં મહિલા મોપેડ ઉપરથી ફસડાઈ પડી હતી. ટ્રાફિકથી ભરચક માર્ગ ઉપર અણધારી ઘટના જોઈ વાહન વ્યવહાર થંભી ગયો હતો. લોકોને જોઈને હુમલાખોર વાહનમાં બેસી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત મોનીકાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં માથાનાં ભાગે છ ટાંકા લેવાની નોબત આવી હતી. આ ઘટના શહેરભરમાં ચર્ચાને ચકડોળે ચઢી હતી. પોલીસની હાકધાક સામે સવાલો ઉઠ્યા હતા. બીલીમોરા પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમોઍ માર્ગ ઉપરના સેંકડો સીસીટીવી ફુટેજો ફંફોસી, મોબાઈલ ફોન અને હ્નામન સોર્સ કામે લગાડી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસનો રેલો તાપી જિલ્લાનાં સોનગઢ સુધી પહોંચ્યો હતો. અને પોલીસની મહેનત રંગ લાવી હતી. પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં સવિન ભુરીયાભાઈ ગામીત (૩૬) વિજય રતનભાઈ ગામીત (૨૭) અને કૈલાસ સુરેશભાઈ ગામીત (૨૮) નો સમાવેશ થાય છે. પોલીસે પીડિત મહિલા અને તેના પરિવારને ત્રણેય આરોપીઓની ઓળખ માટે બોલાવ્યા હતા. જેમાં તેમણે આરોપીઓની કદ કાઠી અને વર્તન આધારે ઓળખ કરી હતી. દરમ્યાન આરોપીઓઍ પોલીસ સમક્ષ મહિલા ઉપર હિંસક હુમલો કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ જણાવ્યું હતું. મોનીકા પટેલ ઉપર હુમલો પૈસાની લેતી દેતી બાબતમાં કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીલીમોરા પોલીસે ત્રણેય આરોપીઓને નામદાર ગણદેવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓને નવસારી સબજેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં આપવાનો હુકમ કર્યો હતો.