વાપી-ડુંગરામાં મનપાની વેરાવસુલાત
- byDamanganga Times
- 22 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા ડુંગરા વિસ્તારમાં સઘન વેરા વસૂલાત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઍ દરમ્યાન ૬ ચાલીઓની ૫૭ રૂમોને તાળાં મારવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ૧ ગોડાઉન, ૧ ઓફિસ અને ૬ દુકાનોને સીલ મારી સ્થળ ઉપર રૂ.૧૩.૮૦ લાખની વસૂલાત કરી હતી. વાપી મહાનગરપાલિકા દ્વારા ચાલીના માલિકોને બાકી ઘરવેરો ભરવા વારંવાર નોટિસો આપી હતી, પરંતુ નોટીસની અવગણના કરી૫થી ૧૦ વર્ષ સુધી વેરો ભરવાની તસ્દી ન લેતા કાર્યવાહી કરવામાં આવી હતી. વેરા વસૂલાતની ટીમે ડુંગરામાં વિજયનગરમાં મમતા અશોક રાણાની ચાલીની ૧૫ રૂમ, યુનિકનગરમાં હસમુખ દેસાઈની ચાલીની ૧૦ રૂમ, ચોકી ફળિયામાં ફાતમાખાતુન કરમહુસેનની ૫ રૂમ, પાંચું ભાણુભાઈની ૬ રૂમ, પીરમોરામાં સુભાદેવી નંદકિશોર ઠાકુરની ૨૧ રૂમ મળી કુલ ૫૭ રૂમને તાળાં મારવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સાંઇ શ્રધ્ધા (પ્લાઝા)માં ૨ દુકાન, સાગર ઍપાર્ટમેન્ટમાં ૪ દુકાન, શુભલક્ષ્મી ઍપા. માં ૧ ઓફિસ તથા વિજયનગરમાં ૧ ગોડાઉનને તાળું મારી સ્થળ પર જ રૂ. ૧૩.૮૦ લાખની વસૂલાત કરવામાં આવી હતી. તથા ડુંગરા વિસ્તારની બે શાળાઓ લાંબા સમયથી વેરો ભરતી ન હોય છેલ્લી નોટીસ આપવામાં આવી હતી. જોકે વાપી મહાનગર પાલિકા હદ વિસ્તારમાં રહેતા અનેક લોકો ઘર વેરા તો ભરતા નથી પરંતુ તેમની પ્રોપર્ટી ભાડે આપી ભાડું વસૂલતા હોય છ.ે તેવી મિલકત પર હવે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.