ઍંધલ હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયાઃ બે વોન્ટેડ
- byDamanganga Times
- 22 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૧ઃ સેલવાસથી કડોદરા જતી વિદેશી દારૂ ભરેલી ટ્રકને ઍલસીબી પોલીસે ગુરુવાર સાંજે ગણદેવી ઍંધલ હાઇવે નં.૪૮ ઉપર ઝડપી હતી. રૂ.૧૦ લાખની ટ્રક, ૫.૭૨ લાખનાં વિદેશી દારૂ સહિત કુલ રૂ.૧૫,૮૨,૩૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ટ્રક ચાલક, ક્લીનરની ધરપકડ કરી ખેપ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગણદેવી નેશનલ હાઇવે નં.૪૮ ઉપર ઍંધલ ગામે ડિસન્ટ હોટલ સામે નવસારી ઍલસીબી પોલીસે બાતમી આધારે ગુરુવારે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમી વાળી ટ્રક નં.આર જે ૨૭ જીબી ૫૨૧૪ ને રોકી કોર્ડન કરી હતી. અને ટ્રક ચાલકને પૂછ્યું કે ટ્રકમાં શુ છે. ચાલકે જણાવ્યું કે સેલવાસ કંપનીનો માલ ભર્યો છે. જેને કડોદરાની કંપનીમાં આપવાનો છે. જે બાદ પોલીસે તલાશી લેતા તાલપત્રી નીચે પૂંઠા ના ૮૫ બોક્ષ મળી આવ્યા હતા. જેમાંથી મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં બનેલી રોયલ સ્ટેગ, ઇમ્પીરિયલ બ્લ્યુ, રોયલ ચેલેન્જ, બિયર સહિત રૂ.૫.૭૨ લાખની ૩૧૯૨ નંગ બોટલ મળી આવી હતી.પોલીસે ૧૦ લાખની ટ્રક સહિત રૂ.૧૫.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તે સાથે ટ્રક ચાલક જેતરામ કન્ના મેઘવાલ (૪૫) અને ક્લીનર મોહનલાલ ગણેશલાલ ગામેતી(૪૯) બંને રહે.રાજસ્થાનની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આ જથ્થો ભરીને પપ્પુ માંગીલાલ મેઘવાલ (રહે.આમલી ગામ, સેલવાસ) તેમને સેલવાસના નરોલી પેટ્રોલપંપ પરથી આપી વાપી, ચીખલી, નવસારી હાઇવેથી કડોદરા પહોંચાડવા માટે જણાવ્યું હતું અને પપ્પુ મેઘવાલ અને ઍક અજાણ્યા શખ્સને મોબાઈલ પર જાણ કરવી. તેઓ ટ્રક લઈ જશે અને બે કલાકમાં તમને ખાલી કરીને આપી જશે. જેના માટે રૂ.૧૫ હજાર ભાડું નક્કી કરાયું હતું. પરંતુ કોઈકે પોલીસને બાતમી આપતા ટ્રક પકડાઈ હતી. બેને વોન્ટેડ જાહેર કરાયા હતા. નવસારી ઍલસીબી પોલીસના પીઍસઆઇ વાય.જી. ગઢવી વધુ તપાસ કરી રહ્નાં છે.