ડાંગમાં નેચર ઍજ્યુકેશન કેમ્પમાં ઍક વિદ્યાર્થી ડૂબ્યો
- byDamanganga Times
- 19 February, 2025

(દમણગંગા ટાઇમ્સ)
આહવા, તા. ૧૮ઃ દેવીનામાળ ઈકો ટુરિઝમ સાઈટ ખાતે નેચર ઍજ્યુકેશન કેમ્પ દરમિયાન અમદાવાદના ઍક વિદ્યાર્થીનું નદીમાં ડૂબી જવાથી દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે વન વિભાગે સંવેદના વ્યક્ત કરી હતી.
તા. ૫ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ધ ગીર ફાઉન્ડેશન દ્વારા જુદી જુદી બેચના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ નેચર ઍજ્યુકેશન કેમ્પ- ઍન્વાયરમેન્ટ ઍજ્યુકેશન પ્રોગ્રામનું (ચ્ચ્ભ્) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચમી બેચ જે તારીખ ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય આયોજીત આ શિબિરમાં સરકારી પોલીટેકનીક અમદાવાદ કોલેજના કુલ ૪૭ વિદ્યાર્થીઓ અને ૩ ફેકલ્ટી સહિત કુલ મળી ૫૦ લોકો દેવીનામાળ કેમ્પ સાઇટ ઉપર પ્રશિક્ષણમાં ભાગ લેવા માટે આવ્યા હતા. અહિં દેવીનામાળ કેમ્પ સાઇટ ઉપર વન વિભાગ દ્વારા જરૂરી સુચનાઓના દિશા નિર્દેશ બોર્ડ તેમજ આજુબાજુ જંગલ વિસ્તારમાં જંગલમાં ધ્યાન રાખવા અંગે જરૂરી સુચક બોર્ડ લગાવવામાં આવ્યાં છે.
તારીખ ૧૭ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન આવેલ આ બેચના શિબિરાર્થીઓમાંથી વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે કોઇને જાણ કર્યા વગર જંગલ વિસ્તારની ખાપરી નદીમાં નહાવા ગયા હતા. જેમાંથી ઍક વિદ્યાર્થી જે સવારે ૭ઃ૧૫ વાગ્યાં દરમિયાન શિવમ કે શાહ કેમ્પ સાઇટના નજીક આવેલ ખાપરી નદીમાં નહાવા જતાં પાણીમાં ડૂબી જવાનો બનાવ બન્યો હતો.
વન વિભાગને આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં તુરંત જ વન કર્મીઓ દ્વારા વિદ્યાર્થીનું રેસ્ક્યૂ કરી ઈમરજન્સી મેડિકલ કેર માટે આહવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહિં તબીબો દ્વારા વિદ્યાર્થીની જરૂરી તપાસ કરી કરવામાં આવી હતી. જે બાદ તબીબોઍ તેને મૃત જાહેર કર્યો હતો.
વન વિભાગે આ દુઃખ ઘટના અંગેની જાણ વિદ્યાર્થીના પરિવારજનોને કરી અકસ્માતે બનેલ બનાવ અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ આ ઘટના અંગે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને જાણ કરી, ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમ દક્ષિણ ડાંગ વન વિભાગની ઍક અખબારી યાદીમાં જણાવાયું છે.