વાપીમાં ટ્રાફિકે સીબીઍસસીના પરિક્ષાર્થીઅો-વાલીઅોને રોવડાવ્યાં
- byDamanganga Times
- 19 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી,તા.૧૮ઃ વાપી ટાઉનમાં આજે ટ્રાફિકજામની સમસ્યાને લઈ સીબીઍસસીની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અટવાતા વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ટ્રાફિક પોલીસની કામગીરી સામે લોકોઍ ભારે ફિટકાર વરસાવી હતી.
પ્રા વિગત મુજબ આજે વાપી પંથકમાં જૈન સમાજની યુવતી દ્વારા દીક્ષા કાર્યક્રમને લઈ આજે તેનો વરસીદાન નો વરઘોડો વાપીના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો જેને લઇ વાપી ટાઉનના બે થી ત્રણ રસ્તાઓ બંધ કરાતા તેમજ અન્ય રસ્તા ઉપરથી ડાયવર્ઝન અપાયું હતું જેને લઇ વાપીમાં સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન ભારે ટ્રાફિકની સમસ્યા ઉભી થવા પામી હતી અને આ વાપીના સાંકડા રસ્તા ઉપર અનેક વાહનોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી. આ દરમિયાન હાલમાં ચાલી રહેલી સીબીઍસસી બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપી ટાઉન ચલા તથા અન્ય વિસ્તારોમાંથી વાપી જીઆઇડીસી ખાતે આવેલી સ્કૂલમાં જ્યાં સીબીઍસસી બોર્ડનું સેન્ટર બનાવાયું છે જ્યાં પરીક્ષા આપવા જતા હોય છે તેઓને સમયસર પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જો કે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ પણ મુશ્કેલી અનુભવતા હતા કેટલાક વિદ્યાર્થીઓ પોતાની કાર છોડી પગપાળા રેલવે ટ્રેક પાસ કરી ત્યાંથી ભાડાના વાહનમાં પરીક્ષા બોર્ડના સેન્ટર સુધી પહોંચ્યા હતા જોકે થોડા દિવસ પહેલા જ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને વાપીમાં ટ્રાફિકનો સામનો ન કરવો પડે તેવી જાહેરાત પોકળ નીકળી હતી. જોકે આ ટ્રાફિક દરમિયાન ટ્રાફિક પોલીસ પણ માત્ર શોભાના ગાંઠિયા બની જવા પામી હોવાનું સીબીઍસસી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચર્ચાઓ તેમજ પોલીસની સામે ફિટકાર દર્શાવતા જોવા મળ્યા હતા.