ગણદેવામાં કાર ડિવાઈડર સાથે ટક્કરાતા ચાલકનું કરુણ મોત
- byDamanganga Times
- 18 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૭ઃ ગણદેવીના ગણદેવા ગામે ખારેલ વિસ્તારમાં પુરપાટ દોડતી વેગન આર કારના ચાલકે સોમવારના પ્રારંભે મધ્યરાત્રીઍ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. અને સ્ટિયરિંગ છાતીમાં વાગતા કાર ચાલક સંકેત પટેલનું કરુણ મોત નિપજ્યું હતું.
ચીખલી તાલુકાના બામણવેલ ગામે બાવી ફળીયામાં રહેતા સંકેત રમેશભાઈ પટેલ (૩૧) રવિવાર બપોરે મિત્ર અભય જીતેન્દ્ર પટેલ (૨૧) રહે. બામણવેલ તા.ચીખલી સાથે પોતાની વેગન આર કાર નં. જીજે-૧૫-સીઍ-૯૨૨૫માં મહુડી ગામે લગ્નપ્રસંગમાં આવ્યો હતો. દરમિયાન મહુડીથી બંને મિત્રો ચા પીવા માટે ગણદેવી નજીક નેશનલ હાઇવે નં.૪૮ ગણદેવા ગામે ખારેલ વિસ્તારમાં આવ્યા હતા. ચા પીધા બાદ બંને મિત્રો મહુડી પરત ફરી રહ્નાં હતાં. ખારેલથી ઍંધલ જતા સર્વિસ રોડ ઉપરથી રોંગ સાઈડમાં કાર હંકારી રહ્નાં હતાં. તે વેળા ચાલક સંકેત પટેલે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ખારેલ ઓવરબ્રિજના દક્ષિણે ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. જેને કારણે જોરદાર આંચકો લાગતા કારનું સ્ટિયરિંગ ચાલક સંકેતની છાતીમાં વાગતા ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું અને બાજુ બેઠેલા મિત્રને નાની મોટી ઇજા પહોંચી હતી. સમગ્ર મામલે અભય પટેલે ગણદેવી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.