જિલ્લામાં ૨૦૦થી વધુ લોકો આઈટી સર્ચનાંં રડારમા
- byDamanganga Times
- 17 February, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વલસાડ જિલ્લાના વાપી, પારડી, ઉમરગામ અને વલસાડ તાલુકા તેમજ વાપી ઉદ્યોગનગર વિસ્તારમાં ૨૦૦થી વધુ જેટલા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલાના કાળા નાણાંની લેવડદેવડની તપાસ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી હોવાની જાણકારી છે. બિલ્ડરો, લેન્ડ માફિયા તેમજ જમીન દલાલોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્ના છે.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાનાં વલસાડ, પારડી, વાપી, ઉમરગામ અને વાપી ઉદ્યોગ નગર વિસ્તારમાં તથા વલસાડ જિલ્લાની હદમાં ૨૦૦થી વધુ બિલ્ડરો, રીયલ ઍસ્ટેટ અને કેટલાક સરકારી અધિકારીઓ દ્વારા અનેક સ્થળે બાંધકામના પ્રોજેક્ટમાં તેમજ જમીનો ખરીદીના કિસ્સામાં મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું તથા અનેક વિસ્તારમાં કાળા નાણાંની લેવડદેવડમાં સંકળાયેલા વ્યવહારોની તપાસ કરવા માટે ફરિયાદ અગાઉ કરવામાં આવી છે. જેમાં દરેક પ્રોજેક્ટનું નામ, સરનામું સાથે આર્કિટેક, ઍન્જિનિયર, બિલ્ડર આ પ્રોજેક્ટમાં નાણાં રોકનાર તેમજ અધિકારીઓ સાથે પ્રોજેક્ટમાં ભાગીદારી રાખનાર અધિકારીઓના વ્યવહારો અંગેની સંપૂર્ણ જાણકારી અને વિગતો આઈટી વિભાગમાં પહોંચી જવા પામી છે અને અગામી દિવસોમાં આ તમામ ઉપર આઈટી વિભાગની રેડ થવાની શક્યતાને ધ્યાને લઈ વલસાડ જિલ્લાના જાણીતા બિલ્ડરો તેમજ રીયલ ઍસ્ટેટ સંકળાયેલામાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્ના છે. જોકે કેટલાક બાંધકામ સાથે સંકળાયેલા બિલ્ડરો અને જમીનોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરનારાઓ વાપી અને વલસાડ જિલ્લો છોડી કેટલાક પોતાના વતન તો કેટલાક કુંભના મેળામાં પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહ્નાં છે.