વલસાડ-વાપીમાં આઇટીની રેડમાં ૪૦૦ કરોડથી વધુના ટ્રાન્ઝેકશન મળી આવ્યા
- byDamanganga Times
- 17 February, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ઃ છેલ્લા ચાર દિવસથી વાપી અને વલસાડમાં બિલ્ડર, વકીલ અને આર્કિટેક્ટ પર આવક વિભાગે પાડેલા દરોડામાં ૪૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન અને સોનાની બિસ્કીટ તથા રોકડ મળી આવ્યાની માહિતી મળી છે. ચાર દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં પોલીસે અનેક વકીલો સાથે વલસાડના મોટા બિલ્ડરોના ઘરે દરોડા પાડ્યા હતા. રિકવર કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ બાદ ટ્રાન્ઝેક્શનના આંકડામાં વધુ વધારો થવાની સંભાવના છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, વાપીના ઈન્કમટેક્સ વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગે પરમ ગ્રુપના દીપેશ ભાનુશાલી, હિતેશ ભાનુશાલી ઉપરાંત બિલ્ડર બિપીન પટેલ, રાકેશ જૈન, જગદીશ શેઠિયા, દીપસિંહ સોલંકી અને વાપીના આર્કિટેક્ટ મનીષ શાહ અને વકીલ વિપુલ કાપડિયાના ઘરો પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત સુરત આઈટી વિભાગે સરીગામમાં રાજેશ રાઠોડના ઘરે દરોડા પાડ્યા હતા. ૧૬ ટીમોઍ ચાર દિવસ સુધી તપાસ કરી હોવાનું જાણવા મળે છે. જેમાં ડીજીટલ અને ફિઝીકલ ડોક્યુમેન્ટ રીકવર કરી તપાસ કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં જ ૪૦૦ કરોડ રૂપિયાની નાણાકીય લેવડદેવડ મળી આવી છે. જેમાં વકીલ વિપુલભાઈ કાપડિયાના ઘરેથી મળેલા દસ્તાવેજોમાં ૨૦૦ કરોડ રૂપિયા સુધીની કહેવાતી લેવડ-દેવડનો ખુલાસો થયો હતો. ઍ જ રીતે પરમ ગ્રુપના દીપેશ અને હિતેશ ભાનુશાળી પાસેથી રૂ. ૧૦૦ કરોડ અને બિપિન પટેલ પાસેથી રૂ. ૫૦ કરોડના વ્યવહારો ઝડપાયા છે. ઍ જ રીતે સરીગામમાં રાજેશ રાઠોડના ઘરેથી જ કરાયેલા દસ્તાવેજોની તપાસમાં ૪૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો બહાર આવ્યા છે. વાપીના આર્કિટેક્ટ મનીષ શાહના લોકરમાંથી અંદાજે ૨.૨૫ કરોડ રૂપિયાનું સોનું અને ૧૭ લાખ રૂપિયાની રોકડ જ કરવામાં આવી છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાકેશ જૈન, દીપસિંહ સોલંકી અને જગદીશ સેઠિયા અને અન્યો પાસેથી જ કરાયેલા દસ્તાવેજોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્નાં છે. જેના કારણે આ આંકડો હજુ વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી બાદ વાપી, વલસાડ વિભાગની સરકારી કચેરીઓના કેટલાક વિભાગોના વરિષ્ઠ અધિકારીઓમાં ગભરાટ જોવા મળી રહ્ના છે. કેટલાક મોટા અધિકારીઓ પણ મોટા પાયે બાંધકામ પ્રોજેક્ટમાં રોકાણ કરેલું હોવાની ચર્ચા છે.