Damanganga Times.

Damanganga Times.

November 21, 2024

બીલીમોરાના દેરાસરમાં ચોરી ઃ ૫.૫ કિલો ચાંદીની મૂર્તિ અને દાગીના ઉઠાવી ગયા

બીલીમોરાના દેરાસરમાં ચોરી ઃ ૫.૫ કિલો ચાંદીની મૂર્તિ અને દાગીના ઉઠાવી ગયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૨૦ ઃ બીલીમોરા ગૌહરબાગ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘનાં નેમ નગર સ્થિત ભગવાન શ્રી નેમીનાથ જૈન દેરાસરમાં બુધવાર વહેલી સવારે તસ્કરો કસબ અજમાવી ગયા હતાં. જેમાં અંદાજીત સાડા પાંચ કિલો વજનની ચાંદીની ચોવીશી મૂર્તિ, સિદ્ધચક્ર યંત્ર અને પંચ ધાતુની મૂર્તિ તેમજ રોકડા રૂ.૫૦મ હજારની ચોરી કરી ફરાર થતા ચકચાર મચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો, ડોગ સ્ક્વોડ, ઍફઍસઍલની ટીમો ઘટના સ્થળે ધસી આવી હતી અને સીસીટીવી ફૂટેજ આધારે બુકાનીધારી તસ્કરોની તપાસ હાથ ધરી હતી.

બીલીમોરા સોમનાથ રોડ નેમનગર સ્થિત નેમીનાથ જૈન દેરાસરની કમ્પાઉન્ડ વોલ કૂદી બુધવાર વહેલી સવારે ચાર જેટલા બુકાનીધારી તસ્કરો આવ્યા હતાં. જેમણે દેરાસરનાં મુખ્ય દરવાજાનો નકુચો તોડી રંગ મંડપમાં પ્રવેશ કર્યો હતો અને અંદર બે ભંડારાનાં તાળા તોડી અંદાજીત રૂ.૫૦ હજાર રોકડા, ગભારાનો દરવાજાનો નકુચો તોડી અંદરથી ભગવાન શાંતિનાથની ચાંદીની મૂર્તિ, ચાંદીની ચોવીશી, સિદ્ધચક્ર યંત્ર, નવપદજીનો ઘટો મળી અંદાજીત સાડા પાંચ કિલો ચાંદીની મૂર્તિ, દાગીના તેમજ પંચધાતુની વજનદાર મૂર્તિ ચોરી ફરાર થયા હતાં. દરમ્યાન બુધવાર વહેલી સવારે નિત્યક્રમ અનુસાર પૂજારી દેરાસરમાં આવતા સમગ્ર બનાવની જાણ થઈ હતી. વાત વાયુવેગે પ્રસરતા જૈન સ્માજ્જનો દોડી આવ્યા હતાં. બીલીમોરા પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ઍસઓજી, ચીખલી ડીવાયઍસપી ગોહિલ, જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ઘટના સ્થળે ધસી આવ્યા હતાં અને સીસીટીવી ફૂટેજો, ઍફઍસઍલ, ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવનાં પ્રારંભિક તબબકે બીલીમોરા પોલીસે ૫.૦૬ લાખની માલમત્તા ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરામાં બુકનીધારી ચાર તસ્કરો ખભામાં દફતર ભેરવેલાં દેખાયા હતાં. દેરાસરની નજીકમાં બીઍસઍનઍલ પાસે ગલ્લો લઈ જઈ તેમાંથી રોકડ નોટો કાઢી લઈ પરચુરણ ત્યાંજ છોડી ભાગી નીકળ્યા હતાં. દેરાસરમાં ચોરીને કારણે જૈન સમાજમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા હતાં. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને સ્થાનિક કક્ષાઍથી જાણ કરી કડક કાર્યવાહીની માંગ કરાઇ હોવાની શહેરભરમાં ચર્ચા વહેતી થઈ હતી.