Damanganga Times.

Damanganga Times.

November 21, 2024

ગણદેવીના બે ગામોમાં બકરાંચોરી કરનાર આણંદની ટોળકી કાર સાથે ઝડપાઇ

ગણદેવીના બે ગામોમાં બકરાંચોરી કરનાર આણંદની ટોળકી કાર સાથે ઝડપાઇ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા.૨૦ઃ ગણદેવી તાલુકાનાં પિંજરા અને ખાપરીયા ગામથી ત્રણ દિવસ અગાઉ શનિ-રવિવારે ૧૯ બકરાં ચોરી કસાઈને વેચનારી ટોળકીને પોલીસે ખેડા અને આણંદથી દબોચી લીધી હતી અને અર્ટિગા કાર સહિત રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. બકરાં ચોરી કરતી વેળા કોઈ સામે પડે તો તીક્ષ્ણ હથીયારથી હુમલો કરતી આ ટોળકી સામે હિંમતનગર અને ઇડરમાં ચાર ગુના નોંધાયેલા છે.

ગણદેવી તાલુકાના ખાપરીયા ગામે ઇશ્વરનગરમાં ચાર દિવસ અગાઉ તા.૧૬/૧૧/૨૪ નાં રોજ રાત્રી દરમ્યાન રૂ.૬૧ હજારનાં કુલ ૦૮ નંગ બકરી, બકરાંની ચોરી થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે ૧૭/૧૧/૨૪ નાં રોજ રાત્રી દરમ્યાન ફરી ગણદેવી તાલુકાના પિંજરા ગામેથી રૂ.૮૮ હજારનાં કુલ ૧૧ નંગ બકરી-બકરાંની ચોરી થઈ હતી. જેને પગલે પોલીસે પશુ ચોર ટોળકીને ઝડપી લેવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તે વેળા બંને ઘટનાસ્થળથી મુખ્યમાર્ગનાં સીસીટીવી ફંફોસતા ઍક અર્ટિગા કાર નં. જીજે-૦૭-ડીઍ ૦૭૦૫ શંકાસ્પદ રીતે આવતી અને જતી જોવા મળી હતી. આથી આર્ટિગા કારની તપાસ કરતા તેનું પગેરું મેળવતા ખંભાત અને નડીયાદમાં મળ્યું હતું. આથી પોલીસે સર્વેલન્સની મદદથી આરોપીઓને ટ્રેસ કરી દબોચી લીધા હતા. જેમાં બકરાંચોરી કરનારા સંદીપ છગનભાઇ સલાટ સોમપુરા (ઉ.વર્ષ ૨૬) રહે. રાલજ ગામ, પાણીની ટાંકી પાસે, ૧૬ વીંઘાનો ટેકરો તા. ખંભાત, જિ. આણંદ અને કિરીટ ઉર્ફે ગીગી જયંતિલાલ તળપદા (ઉ.વર્ષ ૩૦) રહે. ચકલાસી ભાગોળ, ફતેપુરા રોડ, રામજી મંદિર પાસે, નડીયાદની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં બંને આરોપીઓઍ ગણદેવી તાલુકાના પિંજરા અને ખાપરીયા ગામથી બકરી-બકરાં ચોરીની કબૂલાત કરી હતી. અને આ બકરી-બકરાંને અસ્ફાક અયુબભાઈ ખાટકી (ઉ.વર્ષ ૨૨) રહે. પાંચ હાટડી, નડીયાદને વેચી દીધા હતા. પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. આમ ગણદેવી તાલુકામાં શ્રમજીવી પરીવારોનાં બકરાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ગણદેવી પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ ગણદેવી પીઆઇ ઍ જે ચૌહાણ કરી રહ્નાં છે.