બીલીમોરા રેલવે ઓવરબ્રિજ પર કારે મોપેડને ટક્કર મારતા ચાલકનું મોત
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૦ઃ બીલીમોરા રેલવે ઓવરબ્રિજ ઉપર ક્રોસિંગ પાસે મંગળવાર રાત્રે પુરપાટ ઝડપે દોડતી કાર અને મોપેડ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક પટકાતા ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યો હતો. જ્યારે મોપેડ ઉપર સહસવાર હવામાં ૭-૮ ફૂટ ફંગોળાઈ માર્ગ ઉપર પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. મોપેડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કાર ચાલક અકસ્માત બાદ વહેલી સવારે બીલીમોરા પોલીસ સમક્ષ હાજર થયો હતો.
ગણદેવી તાલુકાના મોરલી ગામે રાણા ફળીયામાં રહેતો ધ્રુવીક ચીમનભાઈ પટેલ(૨૫) અને તેનો મિત્ર જય સુભાષભાઈ પટેલ (૨૬) રહે. દેવધા ભેંસલા મંદિર ફળીયા, મંગળવારે રાત્રે બીલીમોરા જમવાનું લેવા ઍક્ટિવા મોપેડ નં.જીજે-૨૧-બીજી-૬૨૪૬ ઉપર સવાર થઈ આવ્યા હતા. અને જમવાનું લઈને રાત્રે ૧૦ઃ૪૫ કલાકનાં અરસામાં મોપેડ ઉપર ઍસટી ડેપોથી ઓવરબ્રિજ ઉપર અમલસાડ તરફ હંકારી જતા હતાં. તે વેળા સામેથી પુરપાટ ઝડપે આવતી આર્ટિગા કાર નં. જીજે-૨૧-ઍઍચ- ૮૪૨૯નાં ચાલકે ઍકાઍક કારને ખાડા માર્કેટ તરફ વટાવી દેતા મોપેડ સાથે ધડાકાભેર ટક્કર સર્જાઈ હતી. જેમાં મોપેડ ચાલક ધ્રુવીક પટેલ માર્ગ ઉપર પટકાયો હતો. જેને પગલે માથા અને શરીર ઍ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ધ્રુવીકને પ્રથમ બીલીમોરાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવસારી લઈ જવાયો હતો. પરંતુ સારવાર મળે તે અગાઉ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેનો મિત્ર જય પટેલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક આદેશ મુકેશભાઈ ઓડ, (રહે.ઓડ નગર, બીલીમોરા) પોલીસ સમક્ષ હાજર થયો હતો. સમગ્ર મામલે મૃતકનાં સંબંધીઍ બીલીમોરા પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.