Damanganga Times.

Damanganga Times.

November 21, 2024

દેવસર આગ હોનારતમાં મૃતકનાં પરીવારને બબ્બે લાખની સહાય અપાઈ

દેવસર આગ હોનારતમાં મૃતકનાં પરીવારને બબ્બે લાખની સહાય અપાઈ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૨૦ઃ બીલીમોરા નજીક દેવસર ગામે ટ્રાન્સપોર્ટ માં ૧૦ દિવસ અગાઉ આગ હોનારતમાં કુલ ૪ શ્રમજીવી મોતને ભેટ્યા હતા. દરમ્યાન ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ ઍ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ગરીબ પરીવારોનાં દુઃખમાં સહભાગી થઈ સહાય મંજુર કરવા અપીલ કરી હતી. જે સાથે મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ.૮ લાખની ફાળવણી કરાઈ હતી. જે સાથે મંગળવાર સાંજે ધારાસભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓ ઍ મૃતકનાં પરીવારની મુલાકાત લઈ રૂ.૨ લાખનાં ચેક વિતરણ કર્યા હતા. જ્યારે ચાર પૈકી ઍક મૃતકનાં વાલી વારસ મળી ન આવતા સહાય મુલતવી રહી હતી.

બીલીમોરા-ગણદેવી રોડ ઉપર દેવસર ગામે ૧૦ દિવસ અગાઉ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં કેમીકલ જન્ય વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ઘટનાસ્થળે ત્રણ અને સારવાર વેળા ઍક મળી કુલ ૪ શ્રમજીવી નાં અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. જેના ઘેરા પ્રત્યાઘાત જોવાયા હતા. દરમ્યાન ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પત્ર પાઠવી  દુઃખની ઘડીમાં સહાય માટે અપીલ કરી હતી. તે સાથે મૃતકદીઠ રૂ. બબ્બે લાખ મળી કુલ રૂ.૮ લાખની સહાય મંજુર કરી હતી. જે સાથે મંગળવાર સાંજે ધારાસભ્ય નરેશ પટેલ, આરઍસી કેતન જોશી, પ્રાંત મિતેશ પટેલ, મામલતદાર જગદીશ ચૌધરી, ટીડીઓ ભાવના યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, શાંતિલાલ પટેલ, વિજય પટેલ, પરીમલ પટેલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મૃતકનાં પરિજનોને સહાય વિતરણ કરાઈ હતી. જેમાં મૃતક અનુપકુમાર મેહરસિંહ નૂનીયા(૩૫), નિલેશ ઉર્ફે નિતેશ અરવિંદભાઈ પટેલ(૨૫) અને શૈલેષ ધીરુભાઈ આહીર (૪૨)નાં પરિજનોને સહાયપત્ર ઍનાયત કરાયો હતો. જ્યારે રૂ.બે-બે લાખની સહાય પરિજનનાં બેંક ખાતા માં મોકલી અપાઈ હતી. જ્યારે ચોથા મૃતક હેમંત શંકરરાવ જાબેકારનાં વાલી વારસો મળી આવ્યા નથી.