ચીખલીની ઢોલુમ્બર પ્રાથમિક શાળાના વિવાદિત આચાર્યની આખરે બદલી
- byDamanganga Times
- 21 November, 2024
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ઃ ચીખલી તાલુકાની ઢોલુમ્બર પ્રાથમિક શાળાનો વિવાદિત આચાર્ય આખરે બદલીનો ઓર્ડર સ્વીકારી છૂટા થતા તંત્રને તેમજ ગ્રામજનોમાં રાહત થઈ છે.
આ શાળામાં આચાર્યની બદલી માટે ગ્રામજનોની લાંબા સમયથી રજુઆત વચ્ચે ડીપીઇઓ દ્વારા વેકેશન પૂર્વે જ વાંસદાના નિરપણ ગામે બદલીનો હુકમ કર્યો હતો. પરંતુ વેકેશનના છેલ્લા દિવસે આચાર્ય શાળા પરથી રવાના થઈ ગયા બાદ પરત ન આવતા ટીપીઇઓ સહિતના સ્ટાફને પંચકયાસ કરી હુકમની બજવણી કર્યા વિના જ પરત આવવાની નોબત આવી હતી. ઢોલૂંમ્બર ગામની પ્રાથમિક શાળાનો આચાર્ય અનિલભાઇ પટેલ શાળામાં બાળકોને ભણાવવાના સ્થાને ગામના રાજકરણમાં રચ્યો પચ્યો રહી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવા સહિતના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત રજૂઆત કરી બદલીની માંગણી કરાઈ રહી હતી. જુલાઈ માસમાં પૂર્વ સરપંચ સાથેની જાહેરમાં મારામારી ના વિવાદમાં સામસામે ફરિયાદમાં આચાર્ય અનિલ પટેલ સામે પણ ખેરગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બાદમાં ડીડીઓ દ્વારા શાળાની વિઝીટ સાથે યોજેલી ગ્રામ સભામાં પણ ગ્રામજનો દ્વારા આ આચાર્યની બદલી માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ડીપીઈઓના અહેવાલના આધારે નિયામકની સૂચનાથી ડીપીઇઓ દ્વારા અનીલ પટેલની બદલી વાંસદા તાલુકાના નિરપણ ગામની પ્રાથમિક શાળામાં કરી દેવાઇ હતી.
સોમવારના રોજ સત્રના પ્રથમ દિવસે ટીપીઈઓ વિજયભાઈ ફરી બદલીના હુકમની બજવણી કરવા જતા આચાર્યઍ તેને સ્વીકારી લેતા તેમને શાળા પરથી છૂટો કરી અન્યને ચાર્જ આપી દેવાયો હતો. જેને લઈને સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ આચાર્ય નિરપણ હાજર પણ થઈ ગયો હોવાનું જાણવા મળે છે. ઢોલુમ્બર પ્રાથમિક શાળાનો આચાર્ય અનિલ પટેલની બદલી થઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.