કપરાડામાં રૂ. ૧૬.૬૭ કરોડના ૬૦૩ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 21 November, 2024
૩૦૦ નવા આવાસ પૈકી માત્ર કપરાડા તાલુકામાં જ ૨૧૦૦ આવાસ મંજૂર કરાયા ઃ કપરાડાના કાજલીમાં રૂ. ૫૦ કરોડના ખર્ચે બે આધુનિક શાળા બનશે, ૬૦૦ થી વધુ દીકરીઓ લાભ મળશે
(દમણગંગા ટાઇમ્સ)
વલસાડ, તા. ૨૦ઃ ભારત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા. ૧૫ નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના ભાગરૂપે પીઍમ-જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને સાંકળી આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા ૨૦૨૪ સાથે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે ઍન.આર.રાઉત માધ્યમિક શાળાના પટાંગણમાં આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા આવી પહોંચતા મહાનુભાવો અને ગ્રામજનોઍ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે જણાવ્યું કે, આદિમ જૂથના લોકોના વિકાસ માટે વડાપ્રધાને ૧૭ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચન કર્યુ કે, આદિવાસી સમાજના ઘર આંગણે જઈ તેઓને જરૂરી સુખ સુવિધા પુરી પાડો. વધુમાં કહ્નાં કે, જે આદિવાસી પરિવાર પાસે આવાસ ન હોય તો આવાસ આપો, આયુષ્યમાન કાર્ડ ન હોય તો આયુષ્યમાન કાર્ડ આપો અને જાતિ સહિતના જરૂરી પ્રમાણપત્ર અને સુવિધા આપો. જે અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા કપરાડા તાલુકામાં સારી કામગીરી થઈ છે. ગુજરાતમાં નવા ૭૩૦૦ આવાસ આદિમ જૂથ માટે મંજૂર થયા છે. જે પૈકી ૨૩૬૦ કપરાડામાં રજિસ્ટર થયા છે જેમાંથી ૨૧૦૦ મંજૂર થયા છે. જે માટે પદાધિકારી અને ગામના આગેવાનોનું પણ સારૂ યોગદાન મળ્યુ હતું. કોઈ સગા સંબંધી કે મિત્ર કોઈ ગરીબ આદિમ જૂથના પરિવાર માટે આવાસ માટે જરૂરી જગ્યા આપે અને સંમતિ આપે તો ત્યાં પણ આવાસ બનાવવા માટે મંજૂરી આપવામાં આવે છે.
ધરમપુર અને કપરાડામાં ખાસ કરીને કોળધા, કોલચા જાતિના લોકો વધુ છે. ગુજરાતમાં ૫૩ આદિવાસી તાલુકા છે. ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ ઍવા ગામમાં ૫૦૦ થી વધારે અને ૫૦ ટકાથી વધુ ઍસટી જાતિની વસ્તી હોય તેવા જિલ્લામાં ૪૭૦ પૈકી ૩૩૩ ગામડા છે. જેમાંથી ૧૦૦ ગામડા તો માત્ર કપરાડા તાલુકાના જ છે. આ તમામ ગામો જઈ કેમ્પ કરી અરજી મેળવશુ અને સ્થળ પર જ લાભ આપીશુ. પોસ્ટ અને બેંકમાં ખાતુ ખોલવવુ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની સુવિધા મળશે. ઘણી બધી કામગીરી સરકારે ડિજિટલ કરી છે. જેમાં ઈ-કેવાયસી કરવાનુ હોય છે. જે માટે ગામડામાં વીઈસીની સુવિધા આપવામાં આવી છે. ત્યાં જઈ આધાર કાર્ડ થકી રાશન કાર્ડ માટે ઈ-કેવાયસી કે ફાર્મર રજિસ્ટ્રેશન માટે ઈ-કેવાયસી કરાવી લેવુ જરૂરી છે. ભવિષ્યમાં કોઈ પણ યોજનાનો લાભ મળે તો સીધો બેંક ખાતામાં મળી જશે.
કપરાડા તાલુકા માટે સારા સમાચાર આપતા જિલ્લા વિકાસ અધિકારી ચપલોતે વધુમાં જણાવ્યું કે, કપરાડામાં કન્યા સાક્ષરતા નિવાસી શાળા બનાવવા માટે કાજલી ગામમાં જમીન મળી છે. ટૂંક સમયમાં ૫૦ કરોડના ખર્ચે બે આધુનિક શાળા કાજલીમાં બનશે. જેથી ઍક ઍક સ્કૂલમાં ૩૦૦ થી વધુ દીકરીઓ અભ્યાસ કરશે. જેમાં આદિમ જૂથની દીકરીને પ્રાથમિકતા મળશે. સરકારની ઘણી બધી યોજના છે જે માટે લોકો માહિતગાર હોય તો સરકારની યોજનાનો લાભ લઈ જીવન ધોરણમાં સુધારો લાવી શકે છે.
આ પ્રસંગે આદિમ જૂથની વસ્તી માટે ઉપયોગી રૂ. ૧૬.૬૭ કરોડના ૬૦૩ વિકાસ કામોનું ડિજિટલ ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.