અતુલની પાર નદીના બ્રિજ પરથી પારનેરાના આધેડનો આપઘાત
- byDamanganga Times
- 28 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ તાલુકાના અતુલ નજીક પસાર થતી પાર નદીના બ્રિજ પરથી મોડી રાત્રે ઍક વ્યક્તિઍ નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. આખી રાત ચાલેલી શોધખોળ બાદ વહેલી સવારે નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. વલસાડ તાલુકાના પારનેરા માં આવેલા લીમડા ચોક વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પટેલે મોડી રાત્રે અતુલ નજીક આવેલા પાર નદીના બ્રિજ પરથી અગમ્ય કારણોસર નદીના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.મોડી રાતથી જ નદીમાં સુરેશભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, રાત્રિના અંધારાને કારણે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે વહેલી સવારે નદીમાંથી સુરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
