વાપીમાં બે દિવસમાં વિશેષ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરાયું
- byDamanganga Times
- 28 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ પોલિયો મુક્ત ભારતનો દરજ્જો જાળવી રાખવાના હેતુથી વાપી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન વિશેષ પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની ૩૧૨ જેટલી ટીમોઍ ઘરેઘરે પહોંચી ઝીરો થી પાંચ વર્ષ સુધીનાં બાકી રહી ગયેલાં બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.
સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલિયો નાબૂદીના અભિયાનને સતત જાળવી રાખવા ઝીરો થી પાંચ વર્ષનાં બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તારીખ ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રવિવારે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રસીકરણ અભિયાન યોજાયું હતું. જેમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતાં કુલ ૪૪,૪૦૬ બાળકો પૈકી ૩૬,૯૬૪ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી રસીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, તે સમયે ૭૪૨ બાળકો પોલિયોના ટીપાં પીવાથી વંચિત રહી ગયાં હતાં.
આ બાબતને ગંભીરતાથી લઈ વાપી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ડૉ. મોનિક પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વટાર, છીરી, કરવડ, ડુંગરા, ગીતાનગર, વાલ્મિકી આવાસ સહિત વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતાં સાત જેટલાં આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓને બોલાવી કુલ ૩૧૨ જેટલી ટીમો બનાવવામાં આવી હતી.
આ તમામ ટીમોઍ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પોલિયોના ટીપાંથી વંચિત રહી ગયેલાં બાળકોને રસીના બે ટીપાં પીવડાવવાની કામગીરી કરી હતી. આ સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓઍ પરિવારજનોને બાળકોના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અને નિયમિત રસીકરણ કરાવવા અપીલ કરી હતી.
