દુબઇ જેલમાં બંધ આરોપીને વાપી લાવવા ઍનઆઈઍ અને ઍટીઍસ કાર્યરત થઈ
- byDamanganga Times
- 28 November, 2026
(મુકુંદ સોની દ્વારા)
વાપી, તા. ૨૭ ઃ વાપીના જાણીતા જ્વેલર્સ પાસે રૂ. ૫ કરોડની ખંડણી માંગવાના અને તેના પર જીવલેણ હુમલો કરાવવાના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. દુબઈ જેલમાં બેઠેલા મુખ્ય આરોપી હરજિન્દરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોને દુબઈથી વાપી લાવવા માટે ઍનઆઈઍ અને ઍટીઍસ ટીમ કાર્યરત થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દુબઈ જેલમાં બેઠેલા હેરી ઢીલ્લોઍ વાપીના જ્વેલર્સ પાસેથી રૂ. ૫ કરોડની ખંડણી વસૂલવા માટે જુગરાજને સોપારી આપી હતી. તેનો ઈરાદો જ્વેલર્સને ચપ્પુથી સામાન્ય ઈજા કરીને ડરાવવાનો હતો, જેથી તે ડરીને ખંડણીની રકમ આપી દે. જોકે હુમલાખોરોઍ છેલ્લી ઘડીઍ પકડાઈ જવાની બીકે જ્વેલર્સ પર ગંભીર હુમલો કરી દીધો હતો.
આ કેસમાં પોલીસે લવપ્રીતસિંહ નિર્મલસિંહ (ઉં.વ. ૩૦), જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવસિંહ (ઉં.વ. ૩૫) અને અમોલકસિંહ બક્ષીસસિંહ (ઉં.વ. ૩૦) ઍમ ત્રણેયને ઝડપી પાડ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે, ત્રણેયઍ આ કામ માટે વાપીથી જ છરો ખરીદ્યો હતો. તા. ૧૭ નવેમ્બરના રોજ મહાત્મા ગાંધી માર્કેટ સ્થિત શોપિંગ સેન્ટરના વોશરૂમમાં જ્વેલર્સના નાના ભાઈ પર હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન આરોપીઓઍ જ્વેલર્સના બોચીના ભાગે અને પીઠના ભાગે છરો ફેરવી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા જ્વેલર્સને બોચીના ભાગે ૧૨ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. ઘટનાને પગલે પોલીસે જ્વેલર્સ તથા તેના પરિવારને પ્રોટેક્શન આપ્યું છે. આ કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસ ગણતરીના કલાકો ઝડપી પાડી ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે ગત રવિવારે આરોપીઓના મેડિકલ ચેકઅપ બાદ આરોપી જુગવિન્દ્ર ઉર્ફે યુવરાજસિંહ દ્વારા ઍસઓજી પીઆઈ, અને ડ્રાઈવર ઉપર હુમલો કરી ભાગવાના પ્રયાસની ઘટના બની હતી જેમાં વધુ કલમો ઉમેરી ગુનો દાખલ કર્યો હતો જે બાદ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેઓને નવસારી સબ જેલમાં ધકેલી દીધાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટના બાદ પણ મુખ્ય સૂત્રધાર હેરી ઢીલ્લોને દુબઈ જેલમાંથી ધમકી ભર્યા ફોન કરી રહ્ના હતો જેને લઈ તેને દુબઈથી વાપી લાવવા માટે ઍનઆઈઍ અને ઍટીઍસની ટીમ કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે. તે વાપી આવ્યા બાદ ખંડણી નેટવર્કના અન્ય સાગરિતોના નામ પણ ખુલે તેવી શક્યતા છે.
