Damanganga Times.

Damanganga Times.

November 23, 2026

ખારેલ ચોકડી પર રૂ. ૩.૨૮ કરોડના હાઈબ્રિડ ગાંજા પ્રકરણનું વાપી કનેકશન

ખારેલ ચોકડી પર રૂ. ૩.૨૮ કરોડના હાઈબ્રિડ ગાંજા પ્રકરણનું વાપી કનેકશન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૩ ઃ નવસારી ઍલસીબી અને ગણદેવી પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ પાસે ઍક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી બે કારમાંથી રૂ. ૩.૨૮ કરોડની કિંમતનો ૯.૩૭૫ કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા ચારેય આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે આ કેસમાં અન્ય નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરી યુવાધનને નશાના રવાડે ચઢાવવાના કિસ્સાઓ વધી રહ્ના છે. ત્યારે ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરવા નવસારી ઍલસીબી અને ગણદેવી પોલીસની ટીમે સંયુક્ત રીતે બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજ પાસે ઍક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ડીડી-૦૩-ઍઍલ-૦૦૩૩ નંબરની ક્રેટા કાર અને જીજે-૧૫-સીઍન-૧૦૦૪ નંબરની અન્ય કારને રોકી તપાસ કરતાં તેમાંથી ગેરકાયદે લઈ જવાતો ૯.૩૭૫ કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કારમાં સવાર પ્રમોદ પાઠક, મિકેત પટેલ, પ્રેમચંદ ઉર્ફે લાલજી યાદવ અને વિષ્ણુસિંહની અટકાયત કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં આ હાઈબ્રિડ ગાંજો વડોદરાના જયંતિ અને વિકાસ તેમજ બેંગકોકમાં રહેતા રોની અને તેની ટીમ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હોવાનું પોલીસ સૂત્રોઍ જણાવ્યું છે. આથી સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઝડપાયેલા ચારેય આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા ચાર આરોપી પૈકી બે આરોપીઓ વાપીમાં સિક્યુરિટી ઍજન્સી ચલાવતા હોવાનું બહાર આવ્યું છેહાલ સમગ્ર કેસની વધુ તપાસ નવસારી ઍલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.